SURAT

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી પર નેકનું ફોકસ

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) સોમવારથી નેકની (NAAC) પાંચ સભ્યોની પીયર ટીમે ઇન્સ્પેક્શન કર્યું હતું. નેકે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની એમલવારી ઉપર ભાર મૂકયો હતો. એટલું જ નહીં વિદ્યાર્થીઓને યુનિવર્સિટી પસંદ કરવાનું અને જે-તે કોર્સમાં એડમિશન લેવા પાછળનું કારણ પણ પૂછ્યું હતું.

સોમવારે સવારે યુનિવર્સિટીમાં એનસીસીની વિદ્યાર્થિનીઓએ નેક એટલે કે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલની પીયર ટીમના પાંચ સભ્યનું સ્વાગત કર્યું હતું. એ પછી નેકની ટીમના પાંચ સભ્યોએ કુલપતિ ડો.કે.એન.ચાવડા સાથે મેરેથોન બેઠક કરી હતી. આ બેઠકના આ દૌર વચ્ચે એકેડેમિક કાઉન્સિલ અને બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્યો સાથે બેઠક હતી, જેમાં નેકની ટીમે નવી રાષ્ટ્રીય નીતિની કઈ કઈ બાબતોની અમલવારી કરી છે, તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો વળતો જવાબ આપતાં ડીનોએ જણાવ્યું હતું કે, મલ્ટિપલ એન્ટ્રી-મલ્ટિપલ એક્ઝિટ, એકેડેમિક બેન્ક ક્રેડિટ, જેટલો અભ્યાસ એટલા સર્ટિફિકેટ કે ડિપ્લોમા કે પછી ડિગ્રી, ડબલ ડિગ્રી કોર્સ એક્સર્ટનલ અને રેગ્યુલર મોર્ડ, રોજગારી મળે તેવા સ્કીલ બેઝ્ડ 160 સર્ટિફિકેટ કોર્સ સહિતની બાબતો જણાવી હતી.

બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્યોને નેકે પૂછ્યું હતું કે, આખો અભ્યાસક્રમ કઈ રીતે તૈયાર કર્યો હતો અને કેવી રીતે અભ્યાસક્રમમાં ફેરફાર કરો છો જેવા પણ પ્રશ્ન પૂછ્યા હતા. જે મામલે પણ બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્યોએ જણાવ્યું હતું કે, જે-તે અભ્યાસક્રમ બજારની માંગને ધ્યાને રાખી તૈયાર કરાયો છે. જેથી વિદ્યાર્થીઓને સરળતાથી રોજગારી મળી જાય તથા તેમાં પણ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને જોતા વિદ્યાર્થીઓને એન એસએસ અને એનસીસીની જગ્યાએ સ્પોર્ટ્સ કે સર્ટિફિકેટ કોર્સ કરી શકે તેવા ઓપ્શન પણ અપાયા છે. આમ, બેઠક પૂર્ણ થયા બાદ નેકની પીયર ટીમના પાંચ સભ્ય બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. જેમને જુદા જુદા વિભાગો વેંચીને ઇન્સ્પેક્શન કર્યું હતું.

સોમવારે 17 જેટલા વિભાગમાં ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું. નેકની પીયર ટીમના સભ્યો એસએસઆર એટલે કે સેલ્ફ સ્ટડીઝ રિપોર્ટ અને એક્યુઆર એટલે કે એન્યુઅલ ક્વોલિટી રિપોર્ટ મુજબ સુવિધા છે કે નહીં? તેવી બાબતોની ચકાસણી કરી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. દેશ-વિદેશના વિદ્યાર્થીઓને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ પસંદ કરી? અને જે-તે કોર્સમાં એડમિશન કેમ લીધું? સહિતના પ્રશ્નો પૂછ્યા હતા. પીએચ.ડી.નો અભ્યાસ કરતા યુનિવર્સિટી અને કોલેજોના પ્રોફેસરોને નેકે બેઠકમાં નહીં બેસવા દીધા હોવાનું જણાયું હતું.

100મા આઝાદી મહોત્સવમાં રિસર્ચ અને ટીચિંગ જેવી બાબતોમાં તમારું યોગદાન કઈ રીતનું રહેશે?
નેકની ટીમે ફેકલ્ટી સાથે પણ બેઠક કરી હતી, જેમાં તેમણે જે-તે ફેકલ્ટીને તમારું રિસર્ચ કઈ રીતે સમાજને કામ લાગશે જેવા પ્રશ્ન પૂછ્યા હતા. ઉપરાંત આજે 75મો આઝાદી અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, તો 100મો આઝાદી મહોત્સવ આવ્યો હશે, ત્યાં સુધીમાં રિસર્ચ અને ટીચિંગ સહિતની બાબતોમાં તમારું યોગદાન કઈ રીતનું રહેશે? સહિતના પ્રશ્ન પણ પૂછ્યા હતા. ઉપરાંત રજા સહિતના લાભો તથા સીએએસનો લાભ મળે છે કે કેમ જેવી બાબતો પર પણ ચર્ચા કરી હતી. ખાસ કરીને ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના કેન્દ્રીય અને રાજ્ય સરકાર સાથે ચાલતા પ્રોજેક્ટના તથા રિસર્ચના વાહવાહ થતી સંભળાઈ હતી. ફેકલ્ટીની ભરતી બાબતનો પણ મુદ્દો ઊંચકાયો હતો. જે મામલે ફેકલ્ટીઓએ વળતો જવાબ રાજ્ય સરકાર ભરતી પ્રક્રિયા કરી રહી છે. પણ હાલમાં ભરતીમાં ઇડબ્લ્યૂએસ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાની વાત જણાઈ હતી.

Most Popular

To Top