અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) 71માં દિક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 51,279 વિદ્યાર્થીઓને (Student) ડિગ્રી – ડિપ્લોમાની પદવી એનાયત કરી હતી. આ વાર્ષિક પદવીદાન પ્રસંગે યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓના કુલ 51,279 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 302 વિદ્યાર્થીઓને મેડલ જ્યારે 67 વિદ્યાર્થીને સ્કોલરશીપ (પારિતોષિક) એનાયત કરવામાં આવી હતી. સ્થળ પર 167 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, આર્થિક ક્ષેત્રે ‘સોને કી ચીડિયા’, આધ્યાત્મિક ક્ષેત્રે ‘પથ પ્રદર્શક’ અને વિદ્યા ક્ષેત્રે ‘વિશ્વ ગુરુ’ એવું આ ભારત ઉન્નતિ કરી રહ્યું છે, ત્યારે દેશના-ગુજરાતના યુવાનોની જવાબદારી છે કે તેઓ પોતાની મહેનત અને કાર્યકુશળતાથી રાષ્ટ્રના ઉત્કર્ષમાં સહયોગ આપે. જે દેશે જીવન આપ્યું છે એ દેશ માટે બલિદાન આપવાની તત્પરતા અને સમર્પણભાવ કેળવીને જવાબદાર નાગરિક બનવા તેમણે યુવાનોને અનુરોધ કર્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતુ કે, ગુજરાત યુનિવર્સિટી એકમાત્ર એવી યુનિવર્સિટી છે જેણે 14 અભ્યાસક્રમો નવી શિક્ષણનીતિ પ્રમાણે આપ્યા છે. છેલ્લાં 4 વર્ષથી ગુજરાત યુનિવર્સિટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનાંકોમાં નંબર વન છે. જેણે 450થી વધુ સ્ટાર્ટઅપ, 4 થી વધુ ઇન્ક્યુબેશન સેન્ટર, 6 પ્રોડક્ટ ઇન્ડિયન આર્મીને આપ્યા, 29 થી વધારે પેટન્ટ રીસિવ કર્યાં છે તથા 72 થી વધારે પેટન્ટ માટે અરજી કરવામાં આવી છે. જેમાં DRDO એ સાઈબર સિક્યોરીટી ક્ષેત્રે સેન્ટર ઓફ એકસેલન્સ સ્થાપ્યું છે. ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આજે ગુજરાત યુનિવર્સિટી સાથે કાર્ય કરી રહી છે. એકમાત્ર ગુજરાત યુનિવર્સિટી પાસે ‘રિસર્ચ પાર્ક’ ઉપલબ્ધ છે.