ભારતમાં શુક્રવારે સોનાં અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વધારાને પગલે સ્થાનિક બજારમાં પણ ભાવોમાં ઉછાળો આવ્યો છે, જેના કારણે રોકાણકારોમાં ફરી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર એપ્રિલ ફ્યુચર્સ માટે સોનાનો ભાવ ₹3,348 એટલે કે 2.30% વધીને ₹1,48,302 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો હતો.
અગાઉના સત્રમાં તે ₹1,44,954 પર બંધ રહ્યો હતો. બીજી તરફ, મે ફ્યુચર્સ માટે ચાંદીનો ભાવ ₹8,488 એટલે કે 3.66% વધી ₹2,39,948 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો. ટ્રેડિંગ દરમિયાન ચાંદી ₹2,40,000 સુધી પહોંચી ગઈ હતી. પરંતુ વૈશ્વિક સ્તરે ચિત્ર થોડું અલગ છે. સોનાના ભાવમાં આજે વધારો થયો હોવા છતાં, તે સતત ત્રીજા અઠવાડિયામાં ઘટાડાની દિશામાં આગળ વધી રહ્યો છે. સ્પોટ ગોલ્ડનો ભાવ 0.2% વધી $4,657.50 પ્રતિ ઔંસ રહ્યો, જ્યારે યુએસ ગોલ્ડ ફ્યુચર્સમાં 1.1%નો વધારો નોંધાયો.
આ ઘટાડા પાછળ મજબૂત અમેરિકન ડોલર અને કડક મોનેટરી પોલિસી અપનાવનાર US Federal Reserve મુખ્ય કારણ છે. વ્યાજદર ઊંચા રહેતા રોકાણકારો નોન-યીલ્ડિંગ એસેટ્સ જેમ કે સોનાથી દૂર રહે છે. મિડલ ઈસ્ટમાં Strait of Hormuz બંધ રહેતા ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી છે, જે ઇન્ફ્લેશન વધારવાનું કામ કરે છે. સામાન્ય રીતે મોંઘવારી વધે ત્યારે સોનાની માંગ વધે છે, પરંતુ ઊંચા વ્યાજદર તેને મર્યાદિત રાખે છે. અન્ય ધાતુઓમાં પ્લેટિનમ 0.1% વધી $1,972.80 અને પેલેડિયમ 0.4% વધી $1,452.21 સુધી પહોંચ્યા.
ETF ક્ષેત્રમાં પણ બદલાવ જોવા મળ્યો છે. 2025માં ગોલ્ડ ETFમાં મોટો પ્રવાહ રહ્યો હતો, ખાસ કરીને નોર્થ અમેરિકા તરફ. પરંતુ 2026માં આ માંગમાં થોડી ઠંડક આવી છે. ફેબ્રુઆરીમાં કુલ ETF માંગ 26 ટન રહી, જે જાન્યુઆરીના 120.1 ટન કરતા ઘણી ઓછી છે. યુરોપમાં ઘરેલુ રિટર્ન વધારે હોવાને કારણે આઉટફ્લો નોંધાયો છે. કુલ મળીને, ટૂંકા ગાળામાં સોનાં-ચાંદીમાં તેજી દેખાઈ રહી છે, પરંતુ લાંબા ગાળાના ટ્રેન્ડ માટે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ મહત્વપૂર્ણ રહેશે.