Business

વિકલી એક્સપાયરીના દિવસે શેરબજારમાં જોરદાર તેજી, 6 લાખ કરોડનું માર્કેટ કેપ વધ્યું

નવી દિલ્હી: વિકલી એક્સપાયરીના (Weekly expiry) દિવસે ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં (Stock market) રોકાણકારો દ્વારા ભારે ખરીદી જોવા મળી હતી. ખાસ કરીને મિડકેપ (Midcap) શેરોમાં ઘણી ખરીદારી જોવા મળી હતી. જેના કારણે નિફ્ટીના (Nifty) મિડકેપ ઈન્ડેક્સમાં 1100 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ (Sensex) 539 પોઈન્ટના ઉછાળા સાથે 72,641 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 172 પોઈન્ટના ઉછાળા સાથે 22012 પર બંધ રહ્યો હતો. નિફ્ટી ફરી 22000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે.

જણાવી દઈએ કે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે ત્રણ રેટ કટના સંકેતો વચ્ચે વૈશ્વિક બજારોમાં તેજી સાથે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી હતી. NTPC, POWERGRID, TATASTEEL, INDUSINDBK, TATAMOTORS, JSWSTEEL, TECHM, WIPRO જેવા સેન્સેક્સમાં સમાવિષ્ટ સ્ટોક્સમાં સારી વૃદ્ધિ જોવા મળી હતી.

એશિયન બજારોમાં દક્ષિણ કોરિયા, જાપાન અને હોંગકોંગ જોરદાર ઉછાળા સાથે બંધ થયા છે. તેમજ બુધવારે વોલ સ્ટ્રીટ પર અમેરિકન શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા. શેરબજારના આંકડા અનુસાર બુધવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ રૂ. 2,599.19 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ સાથે વૈશ્વિક ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.61 ટકા વધીને US$86.47 પ્રતિ બેરલ થઈ ગયું છે.

રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડનો વધારો!
ભારતીય શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં ભારે વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ વધીને રૂ. 380 લાખ કરોડ પર બંધ થયું હતું. જે ગયા સત્રમાં રૂ. 374.12 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.88 લાખ કરોડનો વધારો થયો છે.

આ કંપનીઓના શેરમાં વધારો અને ઘટાડો
સેન્સેક્સ કંપનીઓમાં એનટીપીસી, પાવર ગ્રીડ, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા અને લાર્સન એન્ડ ટુબ્રોમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. બીજી તરફ ભારતી એરટેલ, મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેંક અને એશિયન પેઈન્ટ્સના શેરમાં ઘટાડાનું વલણ હતું. એશિયાના અન્ય બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી અને હોંગકોંગનો હેંગસેંગ ઊંચો બંધ રહ્યો હતો. જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઘટ્યો હતો.

આ કારણે માર્કેટમાં તેજી જોવા મળી હતી
બુધવારે અમેરિકન બજારો નોંધપાત્ર ઉછાળા સાથે બંધ થયા હતા. આ સમયગાળા દરમિયાન S&P 500 સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ડાઉ જોન્સ અને નાસ્ડેક પણ રેકોર્ડ સ્તરે બંધ થયા હતા. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “ઘરેલું બજારોને વૈશ્વિક બજારોમાંથી મજબૂતીના સંકેત મળ્યા છે. ફુગાવો લાંબા ગાળાના લક્ષ્યાંકથી ઉપર હોવા છતાં, ફેડરલ રિઝર્વે સંકેત આપ્યો છે કે તે આ વર્ષે વ્યાજદરમાં ત્રણ કટના માર્ગ પર છે. બુધવારે સેન્સેક્સ 89.64 પોઈન્ટ વધીને 72,101.69 પોઈન્ટ પર અને નિફ્ટી 21.65 પોઈન્ટ વધીને 21,839.10 પોઈન્ટે બંધ થયો હતો.

Most Popular

To Top