Editorial

વિમાનમાં ગેરશિસ્તના વધતા બનાવો અટકાવવા કડક નિયમો બનાવવા જરૂરી

અત્યાર સુધી સામાન્ય રીતે એવી છાપ રહેતી આવી છે કે હવાઇ મુસાફરો એટલે વિમાનોમાં મુસાફરી કરતા મુસાફરો સુશિક્ષિત, ભદ્ર વર્ગના અને સંસ્કારી હોય છે પરંતુ આ છાપ હવે બદલવી પડે તેમ છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી દુનિયાભરની વિવિધ એરલાઇનોના વિમાનોમાં જમીન પર કે ભર આકાશે આઘાત જનક બનાવોનો જાણે સિલસિલો શરૂ થયો છે. વિમાનમાં મુસાફરો વચ્ચે મારા મારી થાય, કોઇ પ્રવાસી દારુ પીને છાકટા વેડા કરે, કોઇ વિમાની કર્મચારીઓ કે એર હોસ્ટેસ સાથે ગેરવર્તન કરે તેવા અનેક બનાવો છેલ્લા કેટલાક સમયમાં વિવિધ એરલાઇનોની ફ્લાઇટોમાં કે ટેક ઓફની તૈયારી કરતા વિમાનોમાં બન્યા છે.

અને હવે તો મહિલાઓ પણ આમાં બાકાત નથી. હાલ થોડા દિવસ પહેલા દક્ષિણ અમેરિકા ખંડની એક એરલાઇનના વિમાનમાં ડઝનબંધ મહિલા મુસાફરો વચ્ચે થયેલી મારા મારી ખૂબ ચર્ચિત બની છે. ભારત, બાંગ્લાદેશની ફ્લાઇટોમાં પુરુષ મુસાફરો વચ્ચે મારા મારીના બનાવો, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં દારૂ પીધેલા મુસાફરે એક વૃદ્ધા પર કરેલા પેશાબની ઘટના જેવી અનેક આઘાત જનક ઘટનાઓમાં વધુ એક આવી ઘટના ઉમેરાઇ છે જેમાં સાલ્વાડોરથી બ્રાઝિલ જવા માટે રવાના થવાની તૈયારી કરી રહેલા એક વિમાનમાં મહિલા મુસાફરોના બે જૂથો વચ્ચે ભયંકર મારા મારી થઇ ગઇ હતી.

એમ જાણવા મળે છે કે બે કુટુંબો વચ્ચે લડાઇની શરૂઆત ત્યારે થઇ હતી જ્યારે એક મહિલાએ તેના બાળકને સીટ બદલીને અન્ય એક સીટ પર બેસવા દેવા અન્ય એક મહિલાને કહ્યું અને તેમાંથી બોલાચાલી થઇ અને તેમાંથી ભારે લડાઇ ફાટી નિકળી. પંદરેક જેટલી મહિલાઓ એકબીજા સાથે મારા મારી કરવા માંડી હતી, તેમણે એકબીજાને તમાચા અને મુક્કાઓ માર્યા હતા અને એકબીજાના વાળ ખેંચ્યા હતા! એર હોસ્ટેસો ઉપરાંત પુરુષ કર્મચારીઓએ પણ ઝઘડો શાંત કરાવવા વચ્ચે પડવું પડ્યું હતું.

વિમાનમાં મહિલાઓની મારા મારીની આ ઘટનાના થોડા સપ્તાહો પહેલા આપણા ભારતની એરલાઇન્સ એર ઇન્ડિયાની અમેરિકાથી ભારત આવી રહેલી ફ્લાઇટમાં જે ઘટના બની તે તો ખૂબ જ શરમજનક અને ચકચારી હતી જેમાં વધુ પડતો દારૂ પી ગયેલા એક યુવાન મુસાફરે તે જ વિમાનમાં મુસાફરી કરી રહેલ એક વૃદ્ધાની બેઠક પાસે જઇને તેના પર પેશાબ કરી દીધો. દેખીતી રીતે વિમાનમાં પીરસવામાં આવતો દારૂ વધુ પડતો પી લીધા પછી તે મુસાફરને ભાન રહ્યું ન હતું અને લઘુશંકા કરવા માટે વૉશરૂમમાં જવાને બદલે તેણે તે મહિલાની બેઠક પર જ પેશાબ કરી દીધો જેના પર તે સમયે તે વૃદ્ધ મહિલા બેસેલી જ હતી. આ ઘટના પછી એર-ઇન્ડિયાની તે ફ્લાઇટના કર્મચારીઓનું વર્તન પણ ખૂબ બેજવાબદાર રહ્યું.

તેમણે તે મુસાફર સામે કોઇ પગલા લેવાને બદલે તેની સાથે પરાણે સમાધાન કરવા ભોગ બનેલ વૃદ્ધા પર દબાણ કર્યું! તે વૃદ્ધાને બીજી કોઇ બેઠક પર બેસવા માટેની વ્યવસ્થા પણ કરી આપી નહીં અને વિમાન લેન્ડ થયા પછી આ ઘટના અંગે સત્તાવાળાઓને જાણ કરવાની તસ્દી પણ તેમણે લીધી નહીં. આ તો પેલી ભોગ બનેલી મહિલાએ આ બાબતે છેવટે એર ઇન્ડિયાના ઉચ્ચ સત્તાવાળાઓને પત્ર લખ્યો ત્યારે આખી ઘટના બહાર આવી. ભારતના જ મુસાફરોને સંડોવતી બીજી એક ઘટના થાઇલેન્ડથી ભારતના કોલકાતા આવતી થાઇલેન્ડની એક એરલાઇનની ફ્લાઇટમાં બની.

આ ફ્લાઇટ માટેનું વિમાન ટેક-ઓફ કરે તે પહેલા થાઇલેન્ડના એક એરપોર્ટ પર આ વિમાનમાં મારા મારી થઇ ગઇ. બન્યું એવુ હતું કે ટેક-ઓફ પહેલા વિમાન કર્મચારીઓ તરફથી મુસાફરોને પોતાની બેઠકો બરાબર કરી લેવા સૂચના અપાઇ, જે દરેક ટેક-ઓફ પહેલા અપાતી હોય છે. પરંતુ એક મુસાફર આડાઇ કરવા લાગ્યો, પોતાની કમ્મરમાં દુ:ખાવો હોવાનું બહાનુ કાઢીને તેણે સીટ એડજસ્ટ કરવાનો ઇન્કાર કર્યો, જ્યારે કે સલામતીના કારણોસર ટેક-ઓફ પહેલા સીટ એડજસ્ટ કરી લેવું જરૂરી હોય છે. અન્ય મુસાફરો તેને સીટ એડજસ્ટ કરવા સમજાવવા લાગ્યા, તેમાંથી બોલાચાલી થઇ અને તેમાંથી મારા મારી થઇ ગઇ. આ ઘટનાની આસપાસના જ સમયગાળામાં બાંગ્લાદેશની એક ફ્લાઇટમાં કેટલાક મુસાફરો વચ્ચે મારા મારી થઇ હોવાનો વીડિયો ફરતો થયો હતો.

હવાઇ મુસાફરી દરમ્યાન શિસ્તની જરૂર અન્ય કોઇ પણ મુસાફરી કરતા વધુ હોય છે. સલામતીના કારણોસર પણ મુસાફરો શિસ્ત જાળવી રાખે તે જરૂરી હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગેરશિસ્તના બનાવો વધતા જાય છે. એક તો વિમાનમાં સ્વાભાવિક રીતે જગ્યા સાંકડી હોય છે અને બેઠકો પર જકડાઇને શિસ્ત બધ્ધ રીતે બેસી રહેવાનું હોય છે. જો લાંબા અંતરની અને લાંબા સમયની મુસાફરી હોય તો આ થોડું મુશ્કેલ તો બને છે પરંતુ સ્થિતિને અનુકૂળ થવું જરૂરી હોય છે.

વિમાનમાં ગેરશિસ્તના બનાવો વધ્યા તે માટે હવાઇ મુસાફરીઓ વ્યાપક બની અને જાત જાતના મુસાફરોનું પ્રમાણ વધ્યું તે બાબત પણ એક કારણ તરીકે અપાય છે. વિમાનમાં ભોજન સાથે દારૂ પીરસવામાં આવે છે અને વધુ પડતો દારૂ પીને કેટલાક મુસાફરો ભાન ગુમાવે તે પણ એક કારણ હોઇ શકે છે. એર-ઇન્ડિયાએ પેશાબ પ્રકરણ પછી દારૂ પીરસવા અંગે ફેરવિચારણા શરૂ કરી તે નોંધપાત્ર છે. વિમાનમાં શિસ્તના કડક નિયમો અમલી બનાવવા સહિતના પગલા ગેરશિસ્તના બનાવો રોકવા માટે હવે જરૂરી બન્યા છે.

Most Popular

To Top