પોલીસની તાબડતોબ કાર્યવાહીથી બસ ઓપરેટરોમાં ફફડાટ
સુરત શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ સામે પોલીસ તંત્રે કડક વલણ અપનાવતા લક્ઝરી બસ ઓપરેટરોમાં હડકંપ મચી ગયો છે.પોલીસ દ્વારા ગૌશાળા સર્કલ ખાતે નો એન્ટ્રીના ભંગ બદલ 25 લક્ઝરી બસોને ચલણ ફટકારવામાં આવ્યા.આ કાર્યવાહી બાદ અન્ય રિજિયનમાંથી રિજિયન–1 વિસ્તારમાં પ્રવેશતા બસ ચાલકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેરનામાનો ભંગ અને ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન હવે સહન કરવામાં નહીં આવે.પોલીસ સ્ટાફની સંયુક્ત કામગીરી હેઠળ લક્ઝરી બસોને એકથી વધુ લાઇનમાં પેસેન્જર ભરવા ઉભી રહેવા દેવામાં આવી નહોતી. માર્ગ વ્યવસ્થાને બગાડતી અને મુસાફરોની સલામતી સાથે ચેડાં કરતી આ બેદરકારી સામે કડક પગલાં લેવાયા છે,પોલીસ દ્વારા કુલ 57 સ્થળ દંડ વસૂલવામાં આવ્યા, જ્યારે એમ.વી. એક્ટ 207 મુજબ 2 લક્ઝરી બસ સામે કાર્યવાહી કરી કાયદેસર પગલાં લેવાયા. ઉપરાંત, એમ.વી. એક્ટ 185 હેઠળ 1 કેસ નોંધાયો છે. પોલીસે દ્રઢતા સાથે જણાવ્યું કે શહેરમાં ટ્રાફિક શિસ્ત જાળવવા આવી ઝુંબેશ સતત ચાલુ રહેશે.
સ્થાનિકોમાં પોલીસની આ કામગીરીને લઈને સંતોષનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે લક્ઝરી બસો દ્વારા થતો અવ્યવસ્થિત પાર્કિંગ અને નો એન્ટ્રીનો ભંગ લાંબા સમયથી સમસ્યા બની ગયો હતો. હવે કડક અમલથી રસ્તાઓ પર સુવ્યવસ્થા જોવા મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.પોલીસ તંત્રએ સ્પષ્ટ કરી દીધું છે,કાયદા સામે કોઈ પણ મોટું કે નાનું નહીં. નિયમોનું પાલન જ સુરક્ષિત શહેરની ઓળખ છે.