SURAT

સુરતની 49 મોટી હોસ્પિટલ્સને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા કડક સૂચના: સૂચના બાદ શુ કર્યુ તે પણ તપાસ થશે

સુરત: સુરત (surat) શહેરે વિતેલા દોઢ મહિનામાં કોરોના (corona)ની મહામારી (pandemic)ના સૌથી ભયાનક સ્વરૂપનો સામનો કર્યો છે. ઇન્જેક્શનની કટોકટી (injection emergency), ઓક્સિજનની અછત (oxygen out of stock) અને લાશોના ઢગલા આ તમામ દ્રશ્યો સુરતીઓના આંખની સામે કાયમ રહેશે. ઓક્સિજનની કટોકટીની પરિસ્થિતિ બાદ તંત્રએ બોધપાઠ લઇ કલેક્ટરે તાબડતોબ શહેરની 49 મોટી હોસ્પિટલ્સને તેમના પોતાના ઓક્સિજન પ્લાન્ટ ઇન્સોટલ (oxygen plant install) કરવા ફરમાન કર્યું છે.

ભારત દેશમાં આવેલી કોરોનાની બીજી લહેરએ તંત્ર અને સ્વાસ્થય માળખાની પોલ ખોલી દીધી છે. ખરેખર આપનું સ્વાસ્થ્ય માળખું કેવું હોવું જોઇએ અને હાલ કેવા પ્રકારનું છે આ બે વચ્ચેનો ભેદ જાણી શકાયો છે. હવે ભવિષ્યમાં ફરી આવી કોઈપણ મહામારી કે રોગચાળો હોસ્પિટલોને દર્દીઓ માટે ઓક્સિજન મેળવવા વલખા ન મારવા પડે તે માટે જિલ્લા કલેકટર (district collector) ડો.ધવલ પટેલ દ્વારા સરાહનીય પહેલ ભરાઇ છે. જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલએ અઠવાડિયા પહેલાં શહેરની 49 મોટી હોસ્પિટલોને પોતાના ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા નોટિસ આપી છે. કોરોનાના વિકટ સમયમાં દર્દીઓ માટે ઓક્સિજનનું મહત્વ કેટલું છે તે જાણી શકાયું છે. આ માટે હવે શહેરની તમામ મોટી હોસ્પિટલ્સ જે પ્રતિદિવસ બે મેટ્રીક ટનથી વધારે ઓકસીજનનો ઉપયોગ કરતી હોય તેવી હોસ્પિટલ્સએ પોતાનો ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનો રહેશે. ભવિષ્યમાં જો ફરી આવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું તો દર્દીઓને કે હોસ્પિટલોને ઓક્સિજન માટે વલખા નહીં મારવા પડે અને સરળતાથી ઓક્સિજનનો સપ્લાય આપી શકાય. આ માટે કલેકટરે શહેરની મોટી હોસ્પિટલ્સને ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કહ્યું છે. કલેકટર દ્વારા આ અંગે સતત હોસ્પિટલ્સનું ફોલોઅપ પણ લેવામાં આવશે.

કલેક્ટરની સૂચના બાદ હોસ્પિટલ્સે શુ કર્યુ તેની પણ તપાસ કરાશે
કલેકટર દ્વારા અઠવાડિયા પહેલા 49 હોસ્પિટલને પોતાના ઓક્સિજન પ્લાન્ટ નાંખવા સુચના આપવામાં આવી હતી. જે સંદર્ભે શહેરની ગ્લોબલ હોસ્પિટલ, મિશન અને મેતાસ હોસ્પિટલ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ માટે સંબંધિત કચેરીમાં અરજી પણ કરી દેવાઇ છે. આ સિવાયની હોસ્પિટલોએ કલેક્ટરની સૂચનાને કેટલી ગંભીરતાથી લીધી છે કે નહીં તે અંગે આવતા અઠવાડિયે ફરી એક વખત તંત્ર મિટીંગ કરશે. કલેકટર દ્વારા આ અંગે કમિશનરને પણ આ બાબતે ધ્યાન દોરી સ્ટ્રીકલી તેનું ફોલોઅપ થાય તે માટે સંકલન સાધવામાં આવ્યું છે.

ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા લાંબુ વેઇટિંગ
ઓક્સિજનની કોરોના કાળમાં સર્જાયેલી કટોકટી બાદ હવે ઘણા રાજ્યો અને હોસ્પિટલ્સ પોતાના ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા પડાપડી કરી રહ્યાં છે. પ્લાન્ટ માટે એડવાન્સમાં બુકિંગ વધી જતા કંપનીઓ માટે પણ વહેલી તકે ઓક્સિજન પ્લાન્ટ નાખવું થોડું અઘરું બન્યું છે.

સુરત ભવિષ્યમાં ઓક્સિજનની આવી કટોકટીનો સામનો નહીં કરે તે જરૂરી
આ અંગે નાયબ કલેકટર આર.આર બોરડે જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા 49 હોસ્પિટલ્સને તેમના પ્લાન્ટ સ્થાપવા સૂચના આપવામાં આવી છે. આવતા અઠવાડિયે ફરી એક વખત તમામ હોસ્પિટલ્સનું ફોલોઅપ ચાલુ રાખવામાં આવશે. કારણ કે ભવિષ્યમાં સુરત ફરી ઓક્સિજનની આવી કટોકટીનો સામનો ન કરે તે જરૂરી છે. આ માટે ઘણી ખાનગી કંપનીઓ પણ સરકારી હોસ્પિટલ્સમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ પ્લાન્ટ સ્થાપશે.

Most Popular

To Top