ગાંધીનગર, તા. 10
આદિવાસી વિસ્તારોમાં જમીન સંબંધિત ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આદિવાસીઓની જમીન સુરક્ષિત રહે અને 73AA કાયદાની પૂરેપૂરી અમલવારી થાય તે સરકાર માટે અત્યંત જરૂરી છે. આદિવાસી વિસ્તારોમાં ઘણા કિસ્સાઓમાં આદિવાસીઓની જમીન વિલ અથવા વારસાઈના નામે લખાવી લેવામાં આવે છે અને પછી તેને નોન-એગ્રીકલ્ચર (NA)માં ફેરવીને ત્યાં મોટી સોસાયટીઓ તથા બિલ્ડિંગો ઉભા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે આદિવાસી ન્યાય માટે જાય છે ત્યારે મામલતદારથી લઈને ડેપ્યુટી કલેકટર, કલેકટર અને મહેસૂલ પંચ સુધીના વિવિધ સ્તરે વિરુદ્ધ પ્રકારના ચુકાદા મળતા હોવાના કારણે ન્યાય મળવામાં વિલંબ થાય છે. ઘણા કેસોમાં હાઈકોર્ટમાંથી સ્ટે લઈ વર્ષો સુધી કાર્યવાહી અટકી રહે છે. તેવું વિધાનસભામાં મહેસૂલ વિભાગની માંગણીઓ પર થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું.
ડો. તુષાર ચૌધરીએ વધુમાં કહ્યું હતુ કે હાઈકોર્ટના એક નિર્ણય અનુસાર પૂર્વ કલેકટરના નિર્ણય પર સુઓમોટો કાર્યવાહી ત્રણ વર્ષની અંદર જ થઈ શકે છે. આ જોગવાઈના કારણે આદિવાસીઓની જમીન સુરક્ષિત રાખવા માટેનો 73AA કાયદો અસરકારક રીતે અમલમાં રહી શકતો નથી. “ત્રણ વર્ષ પહેલાં, દસ વર્ષ પહેલાં કે ત્રીસ વર્ષ પહેલાં ખોટું થયું હોય, ખોટું એ ખોટું જ છે,”
દાહોદ જિલ્લામાં નકલી કલેકટર કચેરીમાંથી આશરે રૂ. 2 હજાર કરોડની કિંમતની જમીનના એન.એ. ઓર્ડર બહાર પાડવામાં આવ્યા હોવા છતાં સરકારને ખબર ન પડી. ઉપરાંત ગાંધીનગરમાં આશરે રૂ. 20 હજાર કરોડના જમીન કૌભાંડમાં કલેકટર જેલમાં હોવાનું તેમજ સુરતમાં આશરે રૂ. 2 હજાર કરોડની કિંમતની જમીનમાં 30 જેટલા નામો ચડાવવાના કિસ્સાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.