SURAT

નો-એન્ટ્રીનો ભંગ કરનાર ૮૪ ભારે વાહનો પર કડક ચાબુખ,સુરત ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઇવ

ડાયમંડ સિટી તરીકે ઓળખાતું Surat શહેર ફરી એકવાર ટ્રાફિક નિયમોના કડક અમલ માટે ચર્ચામાં છે.શહેરમાં વધતા ટ્રાફિક દબાણ અને અકસ્માતોની શક્યતા ઘટાડવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનો સામે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. નો-એન્ટ્રીના નિયમોનો ભંગ કરનાર ૮૪ ભારે વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો છે.

પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ તા. ૦૫/૦૨/૨૦૨૬થી નો-એન્ટ્રી અંગેનું નવું જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ નિર્ધારિત સમયગાળા દરમિયાન ભારે વાહનોને શહેરના મુખ્ય માર્ગો પર પ્રવેશ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. નિયમોની જાણકારી વ્યાપક રીતે લોકો સુધી પહોંચે તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા વિવિધ જંકશન પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને લાઉડસ્પીકર મારફતે સતત જાહેરાતો કરવામાં આવી હતી.

તેમ છતાં કેટલાક વાહનચાલકો દ્વારા નિયમોની અવગણના થતી હોવાની માહિતી મળતા તા. ૧૮/૦૨/૨૦૨૬ના રોજ રીજીયન-૧ વિસ્તારમાં ખાસ ચેકિંગ હાથ ધરાયું. સુરત ના વાલક પાટીયા, શ્યામધામ મંદિર ચાર રસ્તા, ઢોળપુર જંકશન, જે.પી. કાર્પ વિદ્યાસંકુલ, ભક્તિ બંગલો (બુલેટ ટ્રેન પટ્ટા નજીક), વાવ તરફથી આવતા અંડરપાસ તેમજ એન્થમ સર્કલથી સીમાડા કેનાલ રોડ, લસકાણા અને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ ટીમો દ્વારા સઘન તપાસ કરવામાં આવી.

ચેકિંગ દરમિયાન નો-એન્ટ્રી સમયગાળા દરમિયાન શહેરમાં પ્રવેશ કરનાર ૮૪ ભારે વાહનો ઝડપાયા.તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી ચલણ ફટકારવામાં આવ્યા. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ, આવા પગલાં શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અત્યંત જરૂરી છે.ટ્રાફિક વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવનારા દિવસોમાં પણ આવા અભિયાન વધુ સખતાઈથી ચાલુ રહેશે. નવા સમાવેશ કરાયેલા વિસ્તારોમાં પણ નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે મહત્વના માર્ગો પર નવા સાઇનબોર્ડ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી વાહનચાલકોને પૂર્વ જાણકારી મળી રહે.

ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકો અને ખાસ કરીને ભારે વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેરનામાનું પાલન કરે, નિર્ધારિત સમયગાળામાં જ શહેરમાં પ્રવેશ કરે અને સુરતની ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવામાં સહયોગ આપે. નિયમોનું પાલન માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાની અને અન્ય લોકોની સુરક્ષા માટે પણ આવશ્યક છે.

Most Popular

To Top