સુરત ક્રાઇમ બ્રાન્ચનો સખત સંદેશ “NO DRUGS IN CITY”
સુરત શહેરમાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી સામે પોલીસ તંત્ર દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. “NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા એન.ડી.પી.એસ.ના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી બિકાસ તુલુ પ્રધાનને ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ સતત વોચ પર હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે કાસાનગર ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો અને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.આ સમગ્ર કેસની હકીકત મુજબ, તા. ૨૮ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ કાપોદ્રા વિસ્તારમાં શ્રીરામ નગરના એક મકાનમાં દરોડા દરમિયાન પોલીસને ૩ કિલો, ૧૬૬ ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજીત કિંમત રૂ. ૩૧,૬૬૦ ગણવામાં આવી હતી. અન્ય સામાન સાથે કુલ રૂ. ૩૩,૯૫૮નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મકાન ભાડે રાખનાર બિકાસ તુલુ પ્રધાન જ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ સંડોવાયેલો હતો.
આરોપી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને ત્યારથી જ પોલીસ તેની શોધખોળમાં હતી. અંતે ક્રાઇમ બ્રાન્ચની સુચિત કામગીરી અને સતર્કતાથી આરોપી કાયદાની ઝપેટમાં આવ્યો છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે સુરત પોલીસ શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.