સુરત: રખડતાં ઢોર (Stray cattle) અંગે કોર્ટના કડક વલણ બાદ મુખ્યમંત્રીએ (CM) જાતે વિડીયો કોન્ફરન્સ કરી તમામ મનપા કમિશનરોને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જેથી સુરત મનપાનું (SMC) તંત્ર દોડતું થઇ ગયું છે. 16 જાન્યુઆરીથી મનપાની માર્કેટ વિભાગની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ઝુંબેશરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે. મનપાની ટીમ કુલ 3 પાળીમાં રખડતાં ઢોર પકડી રહી છે. મનપાના માર્કેટ વિભાગે 22 ટીમ રખડતાં ઢોર પકડવા માટે મેદાનમાં ઉતારી દીધી છે. તેમજ મનપા દ્વારા રખડતાં ઢોર પકડી તેઓને આરએફઆઈડી ટેગ લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ટેગિંગ કર્યા બાદ શહેરમાં રખડતાં ઢોરના કેટલ મેપિંગ અને ઈમેજ આઈડેન્ટિફિકેશન કરવામાં આવશે. જે માટેની જોગવાઈ બજેટમાં કરાઈ છે. આરએફઆઈડી ટેગ લગાવી દીધા બાદ રખડતાં ઢોરોની જાણકારી મેળવવામાં મનપાને સરળતા રહેશે.
વર્ષ 2023-24 સુધીમાં મનપા દ્વારા 60,000 પશુઓમાં આરએફઆઈડી ઈન્જેક્ટ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેથી મનપાને શહેરમાં કયા વિસ્તારોમાં ઢોર રખડી રહ્યાં છે તેની પણ જાણકારી સરળતાથી મળી રહેશે. હાલ મનપા દ્વારા સીસીટીવી કેમેરા ઢોર પર નજર રાખવામાં આવી રહી છે. મનપાના આઈસીસી સેન્ટર થકી જે વિસ્તારોમાં રખડતાં ઢોર દેખાય છે ત્યાં મનપાની ટીમ પહોંચી જાય છે. આરએફઆઈડી ઈન્જેક્ટ થયા બાદ રખ઼ડતાં ઢોરોનું લોકેશન જાણી શકાશે. તેમજ આ ઢોર કેટલામીવાર પકડાયાં છે તેની વિગત પણ જાણી શકાશે. કારણ કે, એક જ ઢોર વારંવાર પકડાય તો તેના દંડની જોગવાઈ એ રીતે કરવામાં આવી છે.
ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ વધારવાનું પણ આયોજન
મનપાની 9-9 ટીમ સવાર અને બપોર એમ 2 પાળીમાં ઢોર પકડવાની કામગીરી કરી રહી છે. જ્યારે બે ટીમ રાતની પાળીમાં કામે લાગી છે. મનપાની ટીમ સવારે 6થી બપોરે 2, બપોરે 2થી રાત્રે 10 અને રાત્રે 10થી સવારે 6 એમ રાઉન્ડ ધ ક્લોક રખડતાં ઢોર પકડી રહી છે. પરંતુ એક પાળીની ટીમ જાય અને બીજી પાળીની ટીમ આવે તે વચ્ચેના બ્રેકમાં પણ ઘણા પશુપાલકો ઢોરોને છૂટાં મૂકી દેતા હોય છે. જેથી મનપાએ આવાં રખડતાં ઢોર પકડવા માટે હાલ 2 ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ મૂકી છે. અને ભવિષ્યમાં આ ટીમ વધારવાનું આયોજન કરાયું છે. હાલ મનપાના આઈસીસી સેન્ટર થકી જે વિસ્તારોમાં રખડતાં ઢોર દેખાય છે ત્યાં મનપાની ટીમ પહોંચી જાય છે. પરંતુ ઘણા વિસ્તારોમાં મનપાની ઢોર પકડવાની ગાડી આવે તો પશુપાલકોને કોઈ આગોતરી માહિતી મળી જતી હોય તેઓ પશુઓ પાછા તેમના તબેલામાં લઈ લેતા હોય છે. જેથી આવી જગ્યાઓ પર મનપાની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ કાર્યરત કરાઈ છે. જેઓ પશુઓને જેવા બહાર છોડે તો ઓચિંતા જ મનપાની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ પહોંચી જાય છે અને રખડતાં ઢોર પકડી લે છે.