સુરત : રખડતા ઢોર (Stray cattle) મુદ્દે હાઈકોર્ટે દ્વારા સરકારને કરવામાં આવેલી ટકોર અને મુખ્યમંત્રી (CM) તેમજ પુર્વ મુખ્યમંત્રીને રખઢતા ઢોરના ન્યુસન્સનો પ્રત્યક્ષ અનુભવ થયા બાદ રાજ્યભરમાં રખડતા ઢોરના ન્યુસન્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે જ્યાં સૌથી વધુ ગેરકાયદે તબેલાઓ છે તે, કતારગામ ઝોનમાં ગેરકાયદે તબેલાઓ સામે માટે ઝોનના તંત્ર દ્વારા મોટાપાયે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. મોડી રાત સુધી ચાલેલી આ કાર્યવાહીમાં એક જ દિવસમાં 17 તબેલાઓ હટાવી મનપાની જગ્યાઓનો કબજો લેવાયો છે તેમજ 17 ભેંસ સહિત 40 પશુઓ ડીટેઇન કરાયા છે, જ્યારે હોબાળો મચાવનાર બે મહીલાઓ સહીત કુલ 15 લોકોને પોલીસે ડીટેઇન કરી કાર્યવાહી કરી હતી.
વિસ્તૃત વિગતો મુજબ કતારરગામ ઝોન ગૂરૂવારે આંબા તલાવડી, સતાધાર સોસાયટીમાં મનપાના રીર્ઝવ પ્લોટ, લંકા વિજય ઓવારા પાસે જનતા નગરના તાપી નદીના પાળાની આસપાસ તેમજ ડભોલી વાય જંકશન ખાતે તાણી બંધાયેલા ગેરકાયદે ઢોર તબેલા પર દળ કટક સાથે તુટી પડ્યા હતા. મનપાને ફાળવાયેલા એસ.આર.પી. જવાનો, માર્શલ આરોગ્ય વિભાગ, માર્કેટ વિભાગ, ટેકનિકલ સ્ટાફ સહિતના દળકટક સાથે ઉતરી પડ્યા હતા. તેમજ ત્રણેય જગ્યા મળીને મનપાની કુલ 7500 ચોરસ મીટર જગ્યા પરના દબાણો હટાવ્યા હતા. તબેલાઓ દુર કરવાની કામગીરી શરૂ કરાતા કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો જેના કારણે મામલો તંગ થઈ ગયો હતો. ગેરકાયદે તબેલાના માલિકોએ પાલિકાની કામગીરી અટકાવવા માટે કેટલાક પ્રયાસ કર્યો હતો પરંતુ પાલિકાએ તેને નિષ્ફળ બનાવ્યા હતા.
એડી. માર્કેટ સુપ્રિ.ની વધુ એક જગ્યા ઉભી કરાઇ
સુરત : રખડતા ઢોરનો મુદ્દે જેને લાગુ પડે છે તે, માર્કેટ વિભાગની કામગીરી વધુ સારી રીતે થાય એ માટે હાલ એક માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ ઉપરાંત બે એડિશનલ માર્કેટ સુપરિન્ટેન્ડેન્ટ છે. છતાં વધુ એક જગ્યા ઊભી કરવા માટે સ્થાયીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે તેમજ નવા ત્રણ ઢોર ડબ્બા કાર્યરત કરવા પણ તૈયારી કરવામાં આવી છે. સ્થાયી અધ્યક્ષે જણાવ્યું હતું કે, રખડતા ઢોરોની સમસ્યાને નાથવા માટે રખડતા ઢોરોને પકડી ઢોર ડબ્બામાં પુરવામાં આવે છે. હાલ મનપા સંચાલિત ભેસ્તાનમાં એક ઢોર ડબ્બો છે. જેનું રિડેવલપમેન્ટ કરવામાં આવશે સાથે સાથે શહેરમાં વધુ 3 ઢોર-ડબ્બા બનાવવા માટે તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં કતારગામ, રાંદેર અને વરાછા ઝોનમાં એક એક ઢોર-ડબ્બા શરૂ કરાશે. રાંદેર ઝોનમાં વરિયાવ ગામમાં, કતારગામ ઝોનમાં ખરસદ ખાતે અને વરાછા ઝોનમાં મોટા વરાછા ખાતે એક એક ઢોર-ડબ્બા શરૂ કરાશે.