અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) રખડતાં ઢોરને (Stray cattle) નિયંત્રણમાં લેવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ હવે ભાજપા શાષિત અમદાવાદ મનપાએ નવી નીતની જાહેરાત કરી દીધી છે. જેમાં માલધારીઓએ હવે પરમીટ તેમજ લાયસન્સ લેવાનું ફરજિયાત બન્યું છે. અગાઉ રાજય સરકારે રખડતા ઢોર માટે કાયદો ઘડયો હતો. તેમાં દંડની કાર્યવાહીની જોગવાઈ પણ કરાઈ હતી જો કે માલધારી સમાજ દ્વારા રાજયવ્યાપી આંદોલન કરવામાં આવતા તે કાયદાનું અમલીકરણ સ્થગિત કરાયું હતું.
હવે રખડતાં ઢોરની સમસ્યાના નિવારણ માટે ગુજરાત હાઈકોર્ટે કરેલા આદેશ બાદ, અમદાવાદ મનપા દ્વારા નવી નીતિ જાહેર કરાઈ છે. જેમાં ઢોર રાખનાર માલધારીએ કે સંસ્થાઓએ ફરજીયાત લાયસન્સ અને પરમીટ લેવાનું રહેશે. વ્યવસાયીક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજીયાત બનશે. વ્યક્તિગત ઘરે રાખતા ઢોર માટે પરમીટ લેવાની રહેશે. ઢોર રાખનારા તમામ લોકોએ એએમસી પાસેથી પરમીટ અને લાયસન્સ લેવા પડશે.
ઢોર રાખનારા માલધારીએ અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી લાયસન્સ અને પરમીટ ચાર્જ ચૂકવવાનો રહેશે. જેના માટે ત્રણ વર્ષની મુદત રહેશે. લાયસન્સમાં અને પરમીટમાં દર્શાવ્યા સંખ્યામાંથી વધુ ઢોર હશે તો દંડનીય કાર્યવાહી થશે. ત્રણ વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 2000 તથા પરમીટ રકમ માટે રૂપિયા 500 ભરવાના રહેશે. દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રકમ ચુકવી રિન્યુ કરવાના રહેશે. પાંજરાપોળ અને ગૌશાળા તેમજ માન્ય સંસ્થાઓ પણ લાયસન્સ અને પરમીટ લેવાના રહેશે, તેઓને ફીમાંથી મુકતી મળશે. પોલિસી જાહેર થયાના બે માસમાં જ RFID અને ટેગ લગાવો ફરજીયાત રહેશે. જો નહીં લાગે તો પશુ દીઠ 200 ચાર્જ અને ત્યાર બાદ 1000 ચાર્જ ચૂકવવો પડશે. ચાર મહિનામાં ટેગ અથવા RFID નહીં તો ઢોર ડબ્બે પુરવામા આવશે અને માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થશે. જોકે હવે આ નવી નીતિ આવતીકાલે મનપાની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવનાર છે. તે પછી આ નીતિ અંગે આખરી નિર્ણય લેવાશે.