National

દિલ્હીથી રાયપુર પહોંચેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વિચિત્ર ઘટના, લેન્ડિંગ પછી પ્લેનના દરવાજા ખુલ્યા નહીં

એર ઇન્ડિયાની સર્વિસ અંગે મુસાફરોની ફરિયાદો સતત સામે આવી રહી છે. તાજેતરમાં દિલ્હીથી રાયપુર પહોંચેલી એર ઈન્ડિયાની એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામીના કારણે મુસાફરોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

ફ્લાઇટ નંબર AI 2797માં લગભગ 160 મુસાફરો સવાર હતા. રવિવારે રાત્રે 8.15 વાગ્યે દિલ્હી એરપોર્ટ પરથી રવાના થઈ અને રાત્રે 10.05 વાગ્યે રાયપુરના સ્વામી વિવેકાનંદ એરપોર્ટ પર પહોંચી પરંતુ લેન્ડિંગ પછી અચાનક સમસ્યા સર્જાઈ હતી. વિમાનનો દરવાજો ખુલી ન શકતા મુસાફરો અંદર જ અટવાઈ ગયા. આ પરિસ્થિતિ લગભગ એક કલાક સુધી ચાલતી રહી, જેના કારણે મુસાફરોમાં બેચેની અને ચિંતા ફેલાઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, દરવાજો ન ખુલી શકવાને પાછળ એર લાઈન્સ કંપનીએ ટેકનિકલ ખામી જણાવી હતી. લાંબા સમય સુધી કોઈ સ્પષ્ટ માહિતી ન મળતાં મુસાફરોમાં ચિંતા વધી ગઈ. અંતે એરલાઇન સ્ટાફે પરિસ્થિતિ સંભાળી અને કોઈક રીતે દરવાજો ખોલી મુસાફરોને બહાર કાઢ્યા. તમામ મુસાફરો રાત્રે લગભગ 11 વાગ્યે વિમાનમાંથી બહાર નીકળ્યા હતા.

આ ઘટનામાં બિલાસપુર જિલ્લાના કોટા મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય અટલ શ્રીવાસ્તવ પણ સવાર હતા. તેમણે જણાવ્યું કે, પ્રારંભિક તબક્કામાં કેબિન ક્રૂ તરફથી કોઈ યોગ્ય માહિતી આપવામાં આવી ન હોવાથી મુસાફરોમાં ગુંચવણ અને ચિંતા ફેલાઈ હતી. કેટલાક મુસાફરોનું કહેવું છે કે થોડા સમય માટે કેબિન ક્રૂ અને મુસાફરો વચ્ચે કોઈ વાતચીત ન થઈ, જેનાથી લોકો વધુ ચિંતિત થયા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, તાજેતરના ઉડ્ડયન ઘટનાઓને કારણે મુસાફરો પહેલેથી જ સાવચેત હતા, અને આ બનાવે તેમની ચિંતા વધુ વધારી દીધી હતી. આ ઘટનાને લઈને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર થયું નથી

જોકે હજી સુધી, એર ઇન્ડિયા તરફથી પણ આ બનાવ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી, પરંતુ મુસાફરોની સલામતીને લઈને ઉઠતા પ્રશ્નો અને ટેકનિકલ ખામીઓ પર ગંભીર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Most Popular

To Top