World

હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ? યુએસ-ઈરાન સીઝફાયર છતાં પરિસ્થિતિ તંગ, લેબનોન પર હુમલાથી ઈરાન ગુસ્સે ભરાયું

મિડલ ઇસ્ટમાં તણાવ ફરી એકવાર વધી ગયો છે. ઇઝરાયલ દ્વારા લેબનોન પર ચાલી રહેલા હવાઈ હુમલાઓને લઈને ઈરાને કડક પ્રતિક્રિયા આપી છે. ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંના એક એવા હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી બંધ કરવાની જાહેરાત કરી છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ છે. થોડા સમય પહેલા જ અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ પર સહમતિ થઈ હતી. આ કરાર મુજબ, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા તૈયાર હતું જેથી વિશ્વમાં તેલ અને ઊર્જા પુરવઠો સામાન્ય બની શકે. પરંતુ લેબનોનમાં ઇઝરાયલના હુમલાઓ ચાલુ રહેતા ઈરાને પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે.

ઈરાનની સરકારી મીડિયા મુજબ, લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે જોડાયેલા વિસ્તારો પર ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 112 લોકોનાં મોત થયા છે અને 837થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાઓના વિરોધમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કેટલાક અહેવાલો મુજબ, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સે જહાજોને ચેતવણી પણ આપી છે કે પરવાનગી વિના પ્રવેશ કરનાર જહાજોને નિશાન બનાવવામાં આવી શકે છે. બીજી તરફ, અમેરિકાએ આ પગલાને ગંભીર ગણાવ્યું છે. વ્હાઇટ હાઉસે ઈરાનને તરત જ સ્ટ્રેટ ખોલવાની માંગ કરી છે અને કહ્યું છે કે આ પ્રકારનું પગલું વૈશ્વિક વેપાર અને ઊર્જા સપ્લાય માટે ખતરનાક છે. જોકે, અમેરિકાએ કેટલાક અહેવાલોને ગેરમાર્ગે દોરનારા પણ ગણાવ્યા છે અને કહ્યું છે કે જહાજોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ નથી.

આ વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પે લેબનોનમાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહીને ટેકો આપ્યો છે. તેમનું કહેવું છે કે હિઝબુલ્લાહ યુદ્ધવિરામ કરારનો ભાગ નથી, એટલે આ સંઘર્ષ અલગ છે. સાથે જ બેન્જામિન નેતન્યાહૂએ પણ સ્પષ્ટ કર્યું છે કે યુદ્ધવિરામ લેબનોન પર લાગુ પડતો નથી અને ઇઝરાયલ પોતાની કાર્યવાહી ચાલુ રાખશે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે અહીંથી મોટી માત્રામાં તેલનો પુરવઠો થાય છે. આ માર્ગ બંધ થવાથી વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં વધારો થઈ શકે છે અને આર્થિક અસરો પણ જોવા મળી શકે છે. હાલમાં પરિસ્થિતિ ખૂબ જ નાજુક બની છે. એક તરફ યુદ્ધવિરામ છે, તો બીજી તરફ લેબનોનમાં ચાલુ હુમલાઓને કારણે તણાવ યથાવત છે. આવનારા દિવસોમાં આ પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવી શક્યતા નકારી શકાય નહીં.

Most Popular

To Top