National

મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે કથાવાચક અનિરુદ્ધાચાર્યની મુશ્કેલી વધી, મથુરા કોર્ટે ફરિયાદ સ્વીકારી

મહિલાઓ અંગે કથિત અભદ્ર ટિપ્પણી કરવા બાબતની વિવાદાસ્પદ ઘટનામાં જાણીતા કથાવાચક અનિરુદ્ધાચાર્ય સામે કાનૂની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ મામલે અખિલ ભારત હિંદુ મહાસભાની આગ્રા જિલ્લાધ્યક્ષ મીરા રાઠોડે મથુરાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી જેને મથુરા કોર્ટએ સ્વીકારી લીધી છે. હવે આ કેસમાં આગામી સુનાવણી 1 જાન્યુઆરીએ યોજાશે

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?
ઓક્ટોબર મહિનામાં અનિરુદ્ધાચાર્યનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં તેઓ દીકરીઓ અને મહિલાઓ અંગે કથિત રીતે અપમાનજનક અને અભદ્ર ટિપ્પણીઓ કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે આજની છોકરીઓ 25 વર્ષની ઉંમરે લગ્ન કરે છે તે સમય સુધીમાં તેઓ “ઘણી વસ્તુઓ અજમાવી ચૂકી હોય છે.” આ નિવેદનથી ભારે હોબાળો થયો અને મામલો ઝડપથી વકર્યો હતો.

અનિરુદ્ધાચાર્યનું સ્પષ્ટીકરણ
વિવાદ વધતા અનિરુદ્ધાચાર્યએ પોતાની તરફેણમાં કહ્યું હતું કે મહિલાઓનું સન્માન કરવું એ તેમના સંસ્કારનો ભાગ છે અને તેમના નિવેદનને “તોડી મરોડીને” સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવ્યું છે. તેમણે આ મુદ્દે પોતાની નિર્દોષતા દર્શાવી હતી.

કોર્ટમાં ફરિયાદ અને કાર્યવાહી
વાઇરલ થયેલા આ નિવેદનને ગંભીર માની મીરા રાઠોડે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) ઉત્સવ ગૌરવ રાજની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. એડવોકેટ મનીષ ગુપ્તાના જણાવ્યા અનુસાર કોર્ટએ પ્રાથમિક સુનાવણી બાદ ફરિયાદ સ્વીકારી લીધી છે.

કોર્ટ મુજબ 1 જાન્યુઆરીએ મીરા રાઠોડ પોતાનું પ્રારંભિક નિવેદન નોંધાવશે. ફરિયાદ સ્વીકારાતા હવે અનિરુદ્ધાચાર્યએ આ કેસમાં કાનૂની પ્રક્રિયામાં હાજર રહેવું પડશે.

આગળ શું?
કોર્ટ દ્વારા ફરિયાદ સ્વીકારાતા કથાવાચક અનિરુદ્ધાચાર્ય માટે કાનૂની મુશ્કેલીઓ વધી છે. હવે આ કેસમાં શું વળાંક આવે છે તે બાબત પર સૌની નજર રહેશે.

Most Popular

To Top