ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં રાજ્યના સરેરાશ 49 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ત્રાટકેલા આ માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલ તા. 8 એપ્રિલ માટે રાજ્યમાં વરસાદનું યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તેમજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી અને ડાંગ સહિત દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા અને 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. ખેડૂતોને કાપણી કરેલા પાકને સુરક્ષિત રાખવા અને સ્થાનિક લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
ક્યાં કેટલો વરસાદ? (સાંજે ૬ વાગ્યા સુધીના આંકડા)
- અરવલ્લી: સાઠંબામાં સૌથી વધુ સવા ઇંચ, મોડાસા અને બાયડમાં અડધો ઇંચ.
- ગાંધીનગર: માણસામાં ૧ ઇંચ વરસાદ.
- સાબરકાંઠા: હિંમતનગરમાં ૧ ઇંચ, તલોદ અને વડાલીમાં પણ નોંધપાત્ર વરસાદ.
- મહેસાણા: વિજાપુર અને મહેસાણા શહેરમાં ૧૮ મીમી.
- ભાવનગર: શહેરમાં ૧૬ મીમી વરસાદ સાથે ધોધમાર માવઠું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજે કયા જિલ્લાઓમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવા સાથે વરસાદ પડશે?
•- ઉત્તર અને મધ્ય ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર.
•- દક્ષિણ ગુજરાત: વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી અને ડાંગ.
- સૌરાષ્ટ્ર-કચ્છ: સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે.
કેસર કેરીના હબ તાલાલામાં કરૂણ દ્રશ્યો, આંબા પર ફર્યા કુહાડા
વાતાવરણની બદલાતી પેટર્નને કારણે ગીરના તાલાલા પંથકના ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. છેલ્લા ૪-૫ વર્ષથી સતત આવતા માવઠા અને વાવાઝોડાથી કંટાળીને ખીરધાર ગામના ખેડૂતોએ પોતાના સંતાનની જેમ ઉછેરેલા આંબાના બગીચાને જડમૂળથી કાપી નાખ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, આંબામાં ફ્લાવરિંગ સારું થાય છે પણ માવઠાને કારણે કેરીઓ ખરી પડે છે. ૭૦ થી ૮૦ હજારનો ખર્ચ કરવા છતાં ઉત્પાદન ન મળતા ખેડૂતો હવે મગફળી, ઘઉં અને ચણા જેવા પાકો તરફ વળી રહ્યા છે.
ખેતી અને વેપારને મોટું નુકસાન
•- બાગાયતી પાક: ભાવનગરમાં કમોસમી વરસાદથી કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ છે. પવનના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે અને જે આંબા પર છે તેમાં સડો કે જીવાત આવવાનો ડર સેવાઈ રહ્યો છે.
•- એપીએમસી: ઉનાવા એપીએમસીમાં ખુલ્લામાં રાખેલો કૃષિ માલ પલળી જતાં વેપારીઓ અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે.
•- ઈંટ ઉત્પાદકો: સાબરકાંઠામાં વરસાદને કારણે ઈંટ સુકવવાની પ્રક્રિયા અટકી જતાં ઉત્પાદન પર સીધી અસર પડી છે.
ઉત્તર ગુજરાતમાં કરા સાથે માવઠું
મહેસાણા, વિસનગર, બહુચરાજી અને પાટણના ચાણસ્મા પંથકમાં કરા અને ૩૦ થી ૪૦ કિમીની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદ વરસ્યો હતો. પાટણમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું.