Columns

સ્ટોર રૂમ… દરેક ઘરની કિચન ક્વિનનું લાડકું ગોડાઉન

વાસ્તુશાસ્ત્રની નજરે એમ કહેવાય છે કે સ્ટોરરૂમ જો રસોડાના ઈશાન(નોર્થ ઇસ્ટ) ખૂણામાં હોય તો તેમાં સંઘરેલી વસ્તુઓ તાજી રહે છે. ઘરની રાણીના રસોડા માટે અગ્નિ(સાઉથ ઈસ્ટ) દિશાને શ્રેષ્ઠ બતાવી છે. આ પ્રમાણે જો મકાન બનાવવા જાઓ તો સ્ટોરરૂમ અને રસોડું મકાનના બે જુદા ખૂણામાં જોવા મળે. જો કે આવું થતું નથી. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ વિજ્ઞાનની એક લેટેસ્ટ શાખા છે. વાસ્તુના વરતારા આગળ ‘ભેંસ આગળ ભાગવત’ની જેમ હું અને મારી જેમ ઘણા બધા ભેંસના રોલમાં જ હોય છે. મારું સામાન્ય થિંકિંગ છે કે પૃથ્વી તો ગોળ છે.

તે પોતાની ધરી ઉપર ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે. હવે આ ગોળ અને ચગડોળની જેમ ફરતી પૃથ્વીમાં દિશા કઈ રીતે ગણવી? તમારી જમણે-ડાબે કે પૃથ્વીની જમણે-ડાબે? સગવડની દ્રષ્ટિએ દુનિયાભરનાં મકાનોમાં સ્ટોરરૂમ રસોડાની બાજુમાં જ એક સાઈડ પોકેટ જેવું મળેલું એકે એક ફ્રી ચણતર છે. આખા ઘરમાં તમે જોશો તો સહુથી વધુ કબાટ, શેલ્ફ્સ અને વોલ હુક્સ રસોડામાં અને ખાસ સ્ટોરરૂમમાં જ જોવા મળશે. આજકાલનાં મકાનોમાં માળિયા સિંગલ થિયેટરની જેમ લુપ્ત થવા માંડ્યા છે. આજકાલ તો મલ્ટીપ્લેક્સની જેમ સ્ટોરરૂમનું મહત્ત્વ વધી જાય છે.

દરેક બિલ્ડરની તેમના ફ્લેટ્સની જાહેરાતમાં ખાસ લખાય છે કે અમારી સ્કીમમાં ‘’થ્રી બેડરૂમ વિથ એટેચ્ડ બાથ, હોલ, અને કિચન વિથ કલોસેટ જેવી સગવડ છે’’. આ ‘કલોસેટ’ એટલે રસોડાની કલોઝ આવેલો સ્ટોરરૂમ, જે ગૃહિણીના અનાજ અને કરિયાણાનું ગોડાઉન છે. દાદીના જમાનામાં આખા વરસનું અનાજ – કરિયાણું મોટી મોટી કોઠીઓમાં ભરીને મકાનના પછીતે આવેલા ભંડકિયામાં રખાતું હતું. તે સમયે મોટાં સંયુક્ત કુટુંબો હતાં. સિઝનમાં જથ્થાબંધ ઘઉં, ચોખા, દાળ, તેલ- ઘીના ડબ્બાઓ, ગોળના રવાઓ અને ખાંડની બોરી ખરીદાતાં હતાં. ઘરની સ્ત્રીઓ અને ક્યારેક અડોશપડોશની સ્ત્રીઓ વાડકી વહેવારની જેમ આ બધી વસ્તુઓની સાફસફાઈ અને દિવેલથી મહોવા માટે આજની કિટી પાર્ટીની જેમ ભેગા થતા હતા. બે-ચાર કલાકમાં જ બધી વસ્તુઓની સાફસફાઈ થઇ જતી.

આજનાં કુટુંબો નાનાં અને ન્યુક્લીઅર અને એક કે બે BHK ફલેટ્સમાં રહે છે. આજના ‘જાનુ’ અને ‘બેબી’ બંને જોબ કરતા હોવાથી મોટાભાગે તો વીકએન્ડમાં તેમની જરૂરી વસ્તુઓની હોમ ડીલીવરી ઓનલાઈન જ કરાવે છે. કયારેક તે લોકો દર મહિને જરૂરી કરિયાણું લોંગ વોક ક૨વાના બહાને જાતે જઈને લાવે છે. વીકએન્ડમાં બંનેને રજા હોવાથી આવેલો બધો સામાન ડ્રોઈંગરૂમમાં ઠલવાય છે. તે પછી તેમનો ચાર વરસનો ‘સમય’ કુતૂહલતા અને મદદ કરવાના ભાવથી તે બધું ગોઠવવામાં સમય-ખપત(ટાઈમ પાસ) કરે છે.

આખા મકાનમાં સ્ટોરરૂમ જ એક એવો રૂમ છે કે તેનું એક બારણું રસોડામાંથી ત્યાં આવન-જાવન માટે હોય છે. 12 માસ માટે ભરેલાં ધાન્ય અને કરિયાણું ના બગડે તે માટે કયારેક એક નાનું વેન્ટીલેશન હોય છે અથવા તેવી વ્યવસ્થા બારણામાં કરેલી હોય છે. બારી ભાગ્યે જ હોય છે. ચારે દીવાલો ઉપર ગૃહિણીની હાઈટ પ્રમાણે શેલ્ફ ગોઠવાયેલા હોય છે. છત ઉપર 24ની સાઈઝનો એક બેબી ફેન હોય છે, જે ઘરઘંટી અને ઘરઆંટી બંનેને ઠંડા રાખે છે. આ સ્ટોરરૂમમાં બધી વસ્તુઓ એક મોટા કુટુંબની જેમ હળીમળીને પડેલી હોય છે.

દાદીમાની જેમ એક ઘરઘંટી કોઈ ખૂણો પકડીને બેઠી હોય છે. તેના માથે એક લાડકા પૌત્રની જેમ એક મીડીઅમ ડબ્બો. જેમાં ચોખા કે બટાટાના પાપડ કે સેવો રાખેલા હોય છે. પપ્પા-મમ્મી કે કાકા-કાકીની જેવા સૌથી મોટા સભ્યોની જેમ ઘઉં, ચોખા, અને તેલના ચોરસ ડબ્બાઓ ફ્લોર ઉપર ગોઠવાયેલા હોય છે. બાબો, બેબી અને બીજા કઝીન્સની જેમ નાનીમોટી બરણીઓ શેલ્ફ ઉપર લાઈનસર ગોઠવેલી હોય છે. તેમાં સિઝનમાં ભરેલા બારમાસી ચાલે તેટલા ધાણાજીરું, હળદર, મરચું, મીઠું અને બીજા મસાલા પારદર્શક બરણીઓમાં રાખેલા હોય છે. કુટુંબની ભાણીઓ, ભત્રીજીઓની જેમ મગ, મઠ, ચણા, તુવેર, રાજમા, ચોળા, ચણા જેવા કઠોળો અને રોજ રોજ નહિ વપરાતા ચણા, બાજરી, મકાઈ, ચોખા, જવનો લોટ નાની બરણીઓમાં આંખવગા શેલ્ફ અને હાથવગા શેલ્ફ ઉપર શોભિત હોય છે.

સહુથી ઉપરના શેલ્ફમાં વેવાઈની જેમ જૂજ ઉપયોગમાં આવતા એલ્યુમિનિયમના મોટા તપેલા, તબાસીયા અને વાંસના ખાલી કરંડિયાઓ શોભાયમાન હોય છે. બાજુમાં જ તેમનાં વેવાણોની જેમ મોટા વોટર જગ્સ, સ્ટીલની ડોલ, ઘડો અને પીપડું. જેમાં વધારાના થાળીવાડકાઓ કંપની આપે છે. અમે નાના હતા ત્યારે સંતાકૂકડીની રમતમાં તે વખતના મોટા સ્ટોરરૂમ એ અમારા સંતાવાનું હોટ ડેસ્ટીનેશન હતું. આજના નાના સ્ટોરરૂમ ઘરની વધારાની વસ્તુઓ સંતાડવાનું ફૂલ ડેસ્ટીનેશન છે. ઘરના બીજા રૂમો ભલે દર દિવાળીએ ડીટેલ કલીનીંગના ભાગ રૂપે સાફસૂફ થતા હશે પણ સ્ટોરરૂમ જેતે ઘરની ગૃહમાતા દેવી દર રવિવારે રીટેલ ક્લીનીંગના ભાગ રૂપે અચૂક કરે છે.

ખાવાપીવાની વસ્તુઓમાં જીવાત ના પડે તે માટે અનાજના દરેક પીપમાં પારાના પતાસા અને રૂમના દરેક ખૂણામાં વંદા-કંસારી ના આવે તે માટે નેપ્થેલીન્સ બોલ્સ મુકાય છે. આજે તો દરેક ઘરવાળી માટે આતંકવાદીની જેમ અચાનક પ્રવેશતા ગરોળી અને બીજા ફૂદાઓને સ્ટોરરૂમમાં પ્રવેશતા અટકાવવા ઇલેક્ટ્રિક અલ્ટ્રાસોનિક પ્લગ ડીવાઈસ આવી છે. દરેક સ્ટોરરૂમની એક યુનિક સ્ટોરી હોય છે અને વાચિકા તેની એકમાત્ર લાઈફ મેમ્બર ઘર ઘરની વાઈફ મેમ્બર હોય છે. તેમાં સત્તાવાર પ્રવેશ માત્ર તેને અને રસોઈવાળા મહારાજને જ હોય છે. વહુની વઢના જોખમે ક્યારેક તમે પ્રવેશી તો જોજો!!

Most Popular

To Top