દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં 6 જાન્યુઆરીની મધ્યરાત્રિએ અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી. દિલ્હી હાઈકોર્ટના આદેશને અનુસરીને મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD) અને પોલીસની સંયુક્ત ટીમ રામલીલા મેદાન નજીક એક મસ્જિદ અને કબ્રસ્તાનને અડીને આવેલી જમીન પરથી ગેરકાયદેસર બાંધકામ હટાવવા પહોંચી હતી. આ દરમિયાન ટોળાએ પોલીસ અને MCD કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર 6 જાન્યુઆરીના રોજ આશરે 1 વાગ્યે MCDએ 20થી વધુ બુલડોઝરની મદદથી એક લગ્ન મંડપ, ડાયગ્નોસ્ટિક સેન્ટર અને કેટલીક દુકાનો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી. જ્યારે કામગીરી ફૈઝ-એ-ઇલાહીની મસ્જિદ નજીક ચાલી રહી હતી ત્યારે અચાનક એક ટોળાએ બેરિકેડ તોડી હાજર કર્મચારીઓ પર પથ્થરમારો શરૂ કર્યો. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. જેના બાદ ટોળું વિખેરાઈ ગયું.
સેન્ટ્રલ રેન્જના સંયુક્ત પોલીસ કમિશનર મધુર વર્માએ જણાવ્યું હતું કે હાલ સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવી છે. વિસ્તારને નવ ઝોનમાં વહેંચી દરેક ઝોનમાં ADCP સ્તરના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. પથ્થરમારો કરનારાઓની ઓળખ વીડિયો ફૂટેજના આધારે કરવામાં આવશે.
ડીસીપી નિધિન વલસને જણાવ્યું હતું કે MCD દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દિલ્હી હાઈકોર્ટના આદેશ મુજબ હતી અને તે હજુ પણ ચાલુ છે. તેમણે વધુમાં તેમણે જણાવ્યું કે પથ્થરમારાની ઘટનામાં ચારથી પાંચ પોલીસ અને MCD અધિકારીઓને સામાન્ય ઇજાઓ થઈ છે.
આ સમગ્ર મામલો ફૈઝ-એ-ઇલાહ મસ્જિદની મેનેજમેન્ટ કમિટીના વાંધા સાથે જોડાયેલો છે. કમિટીએ MCDના 22 ડિસેમ્બર, 2025ના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ આદેશમાં મસ્જિદની બહાર 0.195 એકર જમીન પર બનેલા બાંધકામોને ગેરકાયદેસર ગણાવી તેને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. MCDનું કહેવું છે કે વધારાની જમીન અંગે માલિકી કે કાયદેસર કબજાના કોઈ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા નથી.