અમદાવાદ : અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક કલાણા ગામમાં સગીરા અને યુવક સામસામે જોવાની સામાન્ય બાબતમાં બોલાચાલી થતા બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા, અને એકબીજા સામે લાકડીઓ તથા પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે 25 લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સાણંદ નજીકના કલાણા ગામ ખાતે તળાવ પાસે એક સગીરાની સામે એક યુવક જોઈ રહ્યો હતો. આ અંગે એકબીજા સામે જોવાની બાબતમાં બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા, અને એકબીજા ઉપર પથ્થર મારો કર્યો હતો. આ અંગે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ મામલે પોલીસે ત્રણ મહિલાઓ સહિત 25 લોકોની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.