નવી દિલ્હી: મિઝોરમમાં (Mizoram) મંગળવારે 28 મે 2024 ના રોજ પથ્થરની ખાણમાં (Stone quarry) એક ભયાનક દુર્ઘટના બની હતી. અહીં રાજ્યના આઈઝોલ (Aizawl) જિલ્લામાં એક પથ્થરની ખાણ ઘરાશાયી થઇ હતી. જેમાં દસ લોકોનાં મોત (Death) થયાં હતાં. આ સાથે જ ઘણા લોકો ખાણના કાટમાળમાં ગુમ થયાં હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ મિઝોરમની રાજધાની આઈઝોલની બહારના વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક પથ્થરની ખાણ ઘરાશાયી થઇ હતી. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસકર્મીઓએ બચાવ કાર્ય શરુ કરી દીધુ હતું. આ સાથે જ ભારે વરસાદને કારણે નદીઓના જળ સ્તરમાં પણ વધારો થયો હતો. જેના કારણે નદી કિનારે રહેતા લોકોએ ઘર છોડીને સલામત સ્થળે જવાની ફરજ પડી હતી.
સમગ્ર મામલે મિઝોરમ પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ આઈઝોલની દક્ષિણ સીમા પર સ્થિત મેલ્થમ અને હલીમેન વચ્ચેના વિસ્તારમાં બની હતી. આજે સવારથી વિસ્તારમાં સતત વરસાદ વચ્ચે આ અકસ્માત થયો હતો. જેના કારણે આ ગુરઘટના બની હોવાનું તારણ કાઢી શકાય. તેમજ રાજ્યની સ્થિતિને જોતા મુખ્યમંત્રી લાલ દુહોમાએ બેઠક બોલાવી હતી.
મિઝોરમ ડીજીપી અનિલ શુક્લાએ જણાવ્યું હતું કે દુર્ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. તેમજ દસ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની શક્યતા જણાઇ હતી. પોલીસે જણાવ્યું કે ભારે વરસાદને કારણે બચાવ કાર્ય પ્રભાવિત થઈ રહ્યું હતું, પરંતુ બચાવ કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી.
આ ઘટના આઈઝોલ શહેરની દક્ષિણ સીમા પર મેલ્થમ અને હલીમેન વચ્ચે સવારે 6 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) અનિલ શુક્લાએ કહ્યું કે અત્યાર સુધીમાં કાટમાળમાંથી દસ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ ઘણા લોકો તેની નીચે દટાયેલા છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં સાત સ્થાનિક હતા, જ્યારે ત્રણ અન્ય રાજ્યોના હતા. કાટમાળ નીચે હજુ પણ દસથી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
ભારે વરસાદને કારણે મિઝોરમમાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થયું હતું
આ સાથે જ ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં પણ ભૂસ્ખલનના બનાવો નોંધાયા હતા. હંથરમાં નેશનલ હાઈવે-6 પર ભૂસ્ખલનને કારણે આઈઝોલનો દેશના અન્ય ભાગોથી સંપર્ક તુટી ગયો હતો. તેમજ વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને જોતા તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી.