નવી દિલ્હી: નવી સરકારની રચના બાદ આખરે આજે મંગળવારે બજેટ (Budget) રજૂ કરવાનો દિવસ આવી ગયો છે. ત્યારે સામાન્ય લોકોની સાથે બજારને પણ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. શેરબજારના (Stock market) રોકાણકારો માટે આજનો દિવસ શુભ રહેવાની આશા છે. કારણ કે સ્થાનિક શેરબજાર તાજેતરના સમયમાં ઘણી વખત નવી ઊંચાઈઓને સ્પર્શ્યું છે. આવી સ્થિતિમાં બજેટની રજૂઆત પહેલા જ ભારતીય શેરબજારમાં હરિયાળી જોવા મળી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 23 જુલાઈ સવારે 11:00 વાગ્યે દેશનું બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ સામાન્ય બજેટ હશે. બજેટ પહેલા આજે સવારે શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારે આજના શેરબજારના ઓપનીંગ સેશન દરમિયાન સેન્સેક્સ 222 પોઈન્ટના વધારા સાથે 80,724 પોઈન્ટ પર પહોંચ્યો હતો. તેમજ નિફ્ટી પણ 59 પોઈન્ટના વધારા સાથે 24,568 પોઈન્ટ પર પહોંચી ગયો હતો.
આ શેર્સમાં વૃદ્ધિ નોંધાઈ
આજે સવારે ભારતીય શેર બજાર ખુલતાની સાથે જ ઈન્ડિયન હોટેલ્સ, હિંદ કોપર, અતુલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ અને જેકે સિમેન્ટ્સના શેરમાં 4-7 ટકાનો વધારો નોંધાયો હતો. બીજી તરફ વિપ્રો, કોટક મહિન્દ્રા, રિલાયન્સ, બિરલાસોફ્ટ અને દાલમિયા ભારતના શેરમાં 2-9 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈ કાલે સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા.
આ શેર્સ ટોપ ગેનર અને લુઝર રહ્યા હતા
આજે ટોપ ગેઇનર્સમાં ઈન્ડિયન હોટેલ્સ, હિંદ કોપર અને અતુલે અનુક્રમે 7.35 ટકા, 4.73 ટકા અને 4.67 ટકાના વધારા સાથે સારો દેખાવ કર્યો હતો. જ્યારે પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ અને જેકે સિમેન્ટ્સના શેર પણ અનુક્રમે 4.51 ટકા અને 4.37 ટકા વધ્યા હતા. તેમજ વિપ્રો, કોટક મહિન્દ્રા, રિલાયન્સ, બિરલાસોફ્ટ અને દાલમિયા ભારત ટોપ લૂઝર હતા, જે અનુક્રમે 9.22 ટકા, 3.52 ટકા, 3.50 ટકા, 2.77 ટકા અને 2.61 ટકા ઘટ્યા હતા.
ભારતીય રૂપિયો 2 પૈસા મજબૂતી સાથે ખુલ્યો
ભારતીય રૂપિયાએ બજેટના દિવસે સકારાત્મક શરૂઆત કરી હતી. મંગળવારે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 83.66 પ્રતિ ડોલરના સ્તરે 2 પૈસાની મજબૂતી સાથે ખુલ્યો હતો. તેમજ મંગળવારે સવારે WTI ક્રૂડના ભાવ 0.32% વધીને $78.51 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.48% વધીને $82.58 પર ટ્રેડ થઈ રહ્યા હતા.