નવી દિલ્હી: અઠવાડીયાના બીજા કારોબારી દિવસે શેરબજાર (Stock market) ફરી રેકોર્ડ ઉંચી સપાટીએ (Record High) પહોંચ્યું હતું. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ (Sensex) 500 પોઈન્ટના ઉછાળા સાથે નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. આ સાથે જ નિફ્ટી (Nifty) પણ તેની નવી રેકોર્ડબ્રેક ઊંચાઈએ પહોંચ્યો હતો.
મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ખાનગી ક્ષેત્રની બેંકોના શેરમાં સારી મજબૂતી જોવા મળી હતી. બપોરે 1:12 વાગ્યે, સેન્સેક્સ 523.54 (0.68%) પોઈન્ટના વધારા સાથે 77,864.62 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 131.20 (0.56%) પોઈન્ટ ઉછળીને 23,669.05ના સ્તરે પહોંચ્યો હતો. આ સાથે જ સેન્સેક્સ અત્યાર સુધીના સત્રમાં 77888.72ની તેની નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી પણ 23,669.40ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચવામાં સફળ રહ્યો હતો.
અગાઉ સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં કારોબાર લીલા નિશાન પર શરૂ થયો હતો. મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટી જોરદાર ખુલ્યા હતા. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 250 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટીએ 23600ની સપાટી ક્રોસ કરી હતી. સવારે 9:49 વાગ્યે સેન્સેક્સ 253.99 (0.32%) પોઈન્ટ વધીને 77,607.52 પર પહોંચ્યો હતો. તો બીજી તરફ, નિફ્ટી 75.11 (0.32%) પોઈન્ટ વધીને 23,612.95 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
અલ્ટ્રાટેક અને એચડીએફસી બેન્કના શેર મજબૂત થયા
મંગળવારે નિફ્ટી શેર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેન્ક, ડિવિઝ લેબ, કોલ ઈન્ડિયા અને એસબીઆઈ ટોપ ગેનર તરીકે ટ્રેડ થઈ રહ્યા હતા. ત્યારે એચસીએલ ટેક, એશિયન પેઇન્ટ્સ અને ટાઇટનના શેર દબાણ હેઠળ હતા. તેમજ પ્રમોટર અશોક સૂતાએ બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચવાના અહેવાલો વચ્ચે હેપીએસ્ટ માઇન્ડ્સના શેર 8% ઘટ્યા હતા.
આ શેરો 19% સુધી વધ્યા
આજના ટ્રેડિંગ સેશનમાં અમરા રાજા એનર્જી અને મોબિલિટીનો શેર 19% સુધી વધ્યા હતા. કંપનીએ લિથિયમ ઓઈલ સેલ મેન્યુફેક્ચરિંગ માટે ચીનની ગોશાન સાથે લાઇસન્સિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમજ મોર્ગન સ્ટેનલીની તેજીની નોંધ પછી, Paytm, Zomato અને પોલિસી બજારના શેરમાં પણ લગભગ બે ટકાનો વધારો જોવા મળ્યો હતો.
મંગળવારે ડોલર સામે રૂપિયો 2 પૈસા વધીને 83.45 પર હતો
મંગળવારે ડોલર સામે ભારતીય રૂપિયો 2 પૈસા વધીને 83.45 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે ઓગસ્ટ ડિલિવરી માટે બ્રેન્ટ ક્રૂડ વાયદો 0.08% મજબૂત થઈને 86.06 પ્રતિ બેરલ થયો હતો. ત્યારે બજારના આંકડા અનુસાર સોમવારના ટ્રેડિંગ સેશનમાં સ્થાનિક રોકાણકારો (DII)એ રૂ. 820 કરોડનું વેચાણ કર્યું હતું. તેમજ FIIએ રૂ. 654 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.