મુંબઈ: શેરબજાર (Stock Market)માં શુક્રવારે જોરદાર તેજી (Strong boom ) જોવા મળી રહી છે. સેન્સેક્સ (Sensex)ખુલતાની સાથે જ વેગ પકડ્યો છે. નિફ્ટીમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સે આજે 107.21 પોઈન્ટના વધારા સાથે કારોબારની શરૂઆત કરી હતી. જ્યારે નિફ્ટી 45 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આજે બજારમાં ઘણી ઉથલપાથલ થઈ શકે છે.
ભાજપની જીતને કારણે બજારમાં તેજી જોવા મળી હતી
ગુરુવારે અસ્થિર ટ્રેડિંગમાં BSE સેન્સેક્સ 160 પોઈન્ટ વધ્યો હતો. વૈશ્વિક સ્તરે મિશ્ર વલણ વચ્ચે પસંદગીની બેંકો અને ઓટો શેરોમાં ખરીદીએ બજારને ઊંચુ રાખ્યું હતું. ગુજરાતમાં ભાજપની વિક્રમી જીત સાથે બજારને વેગ મળ્યો હતો. જો કે હિમાચલ પ્રદેશમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. વેપારીઓના મતે વિદેશી રોકાણકારોની સતત વેચવાલી અને વૈશ્વિક સ્તરે મિશ્ર વલણે તેજીને મર્યાદિત કરી હતી. 30 શેરવાળો સેન્સેક્સ 160 પોઈન્ટના વધારા સાથે 62,570.68 પોઈન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સ શેરોમાં 13 નફામાં જ્યારે 17 નુકસાનમાં હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 48.85 પોઈન્ટના વધારા સાથે 18,609.35 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
સન ફાર્માનાં શેર ડાઉન
સેન્સેક્સ પેકમાં એક્સિસ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, એલએન્ડટી, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ફોસિસ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા મુખ્ય ગેનર હતા. જેમાં 2.71 ટકા સુધીની ઝડપ જોવા મળી હતી. બીજી તરફ સન ફાર્મામાં સૌથી વધુ 3.57 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કંપનીની ગુજરાત સ્થિત હાલોલ ફેક્ટરીને યુએસ ડ્રગ એન્ડ ફૂડ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) દ્વારા આયાત સાવચેતીની યાદીમાં મૂકવામાં આવ્યા બાદ કંપનીનો સ્ટોક ઘટ્યો હતો. જ્યારે અન્ય ગુમાવનારાઓમાં પાવરગ્રીડ, TCS, નેસ્લે ઈન્ડિયા, વિપ્રો, કોટક બેંક અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થાય છે.
મંદીની આશંકાની અસર શેર પર
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા પછી સ્થાનિક બજારમાં ઘણી વોલેટિલિટી જોવા મળી રહી છે. તેનું કારણ આર્થિક મંદીના કારણે વૈશ્વિક બજારોમાં ઘટાડો અને ફેડરલ રિઝર્વના પોલિસી રેટમાં વધારો થવાની શક્યતા છે. મંદીના ડરથી આઈટી અને ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેર પર અસર થઈ છે. તેમજ જાહેર ક્ષેત્રની બેંકોએ બજારને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું છે. વૈશ્વિક બજારો અસ્થિર રહી શકે છે કારણ કે બજારો આવતા અઠવાડિયે યુએસ ફેડરલ રિઝર્વ તરફથી જાહેર થનારી નાણાકીય નીતિ અને ફુગાવાના ડેટાની રાહ જોઈ રહ્યા છે.