નવી દિલ્હી: અઠવાડીયાના પ્રથમ કારોબારી દિવસે એટલે કે આજે સોમવારે સ્થાનિક શેરબજારે (Indian stock market) મોટી છલાંગ લગાવી હતી. સોમવારે શરૂઆતના કારોબારી સેશનમાં સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 350 પોઈન્ટથી વધુ મજબૂત થયો હતો. બીજી તરફ નિફ્ટી પણ પ્રથમ વખત 24900ને પાર પહોંચ્યો હતો.
આજે સોમવારે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 397.41 પોઈન્ટ વધીને 81,730.13 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી પણ 125.70 પોઈન્ટ વધીને 24,960.55 પોઈન્ટ પર પહોંચ્યો હતો. ત્યારે શેર બજારના નિષ્ણાતોનું કહેવું છે કે નિફ્ટી 25 હજારના ઐતિહાસિક સ્તરને સ્પર્શી શકે છે. જો આ લેવલ તૂટશે તો 25,400નું લેવલ જોવા મળશે. દરમિયાન NTPC, IndusInd Bank, ICICI બેંક, SBI, Infosys, Reliance વગેરેના શેરોમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી હતી.
આ કંપનીઓના શેરમાં વધારો
સેન્સેક્સ લિસ્ટેડ કંપનીઓમાં એનટીપીસી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા હતો. જ્યારે ટાઇટન, ભારતી એરટેલ, ITC અને ટેક મહિન્દ્રાના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે જ એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગના શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે શુક્રવારે યુએસ બજારો સકારાત્મક નોંધ પર બંધ થયા હતા.
બેન્ક નિફ્ટીના ઉછાળાને કારણે બજારમાં ઉત્સાહ જોવા મળ્યો
બજારની શરૂઆતની મિનિટોમાં જ બેન્ક નિફ્ટીમાં 628 પોઈન્ટનો વધારો થયો હતો અને તે 51,924.05ના સ્તરને સ્પર્શી ગયો હતો. જેમાં મુખ્યત્વે બંધન બેંક સવારે 10 વાગ્યે 10 ટકાના જંગી ઉછાળા સાથે ટ્રેડ થઈ રહી હતી. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 9માં વધારો અને 3માં ઘટાડો જોવા મળ્યો હતો.
કાચા તેલના શેરમાં વધારો
વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.35 ટકા વધીને US$81.41 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યાં હતા. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) શુક્રવારે મૂડીબજારમાં ખરીદદાર રહ્યા હતા અને તેમણે રૂ. 2,546.38 કરોડના શેરની ખરીદી કરી હતી.