Business

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 1,800 પોઈન્ટ અને નિફ્ટી 575 પોઈન્ટ નીચે

સોમવારે ભારતીય શેરબજારમાં ખુલતાં જ ભારે ઘટાડો નોંધાયો છે. વિદેશી બજારોમાંથી નકારાત્મક સંકેતો, ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ઈરાન-યુએસ-ઇઝરાયલ સંઘર્ષમાં તણાવ વધવાને કારણે બજાર સોમવારે ખુલતાં જ ઉથલપાથલ ભર્યું રહ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ ખુલતાં જ 73,732 પર આવ્યો હતો, જે તેના શુક્રવારના બંધ 74,532.96 કરતાં લગભગ 800 પોઈન્ટ નીચે હતું. ઓછા જ મિનિટોમાં, સેન્સેક્સ 1,800 પોઈન્ટથી વધુ ઘટીને 72,724 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 50 પણ આ ઘટાડામાં પાછળ નહોતો. તે 23,114ના શુક્રવારના બંધથી 22,538 સુધી નીચે ખસકી ગયો, જે લગભગ 575 પોઈન્ટની તીવ્ર ઘટ હતી.

સોમવારે સવારે BSE લાર્જકેપ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ તમામ 30 શેર લાલ રંગમાં ટ્રેડ થયા. સૌથી વધુ નુકસાન પામેલા શેરોમાં ટાટા સ્ટીલ (4%), SBI (3%), બજાજ ફાઇનાન્સ (2.67%), HDFC બેંક (2.6%), ઇન્ડિગો (2.5%), ટાઇટન (2.5%), BEL (2.49%) અને અદાણી પોર્ટ્સ (2.4%)નો સમાવેશ થાય છે. ભારતીય બજાર પર વિદેશી બજારોના સંકેતોનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળ્યો. સોમવારે એશિયન બજારોમાં પણ ઉથલપાથલ નોંધાઈ. જાપાનનો નિક્કી 4.1% ઘટીને 50,800 પર, હોંગકોંગનો હેંગ સેંગ 3% ઘટીને 24,532 પર ટ્રેડ થયો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 5.1% ઘટીને 5,409 પર આવ્યો. યુરોપના DAX (2.01%), CAC (1.9%) અને FTSE-100 (1.5%) પણ ઘટ્યા. બજાર વિશ્લેષકો જણાવે છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો મિડલ ઇસ્ટમાં તણાવ અને વૈશ્વિક બજારની અસ્થિરતાએ સોમવારે શેરબજાર પર સીધી અસર કરી છે. રોકાણકારો માટે આ સપ્તાહની શરૂઆત ઘણી જ પડકારજનક રહી, અને બજારમાં આગામી દિવસોમાં પણ ઉથલપાથલ ચાલુ રહેવાની સંભાવના છે.

Most Popular

To Top