જાપાનમાં કોરોનાની 11મી લહેરનો ખતરો મંડરાઇ રહ્યો છે. માત્ર જાપાનમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ ગત મહિનામાં કોરોનાના નવા વેરિયન્ટ FLiRTના કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. જાપાનમાં હાલ નવા વેરિયન્ટના કેસ 55 હજારને પાર પહોંચ્યા છે. દિલ્હી મેડિકલ એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ અને સિનિયર ફિઝિશિયન ડૉ. અનિલ બંસલે જણાવ્યું હતું કે કોવિડનો નવો વેરિયન્ટ વધુ ચેપી છે. અત્યાર સુધી જે જાણકારી સામે આવી છે તે પ્રમાણે જાપાનમાં લોકોને સંક્રમિત કરનાર વેરિયન્ટ કેપી.3 વધારે ચેપી છે.
જેના કારણે ત્યાંની હૉસ્પિટલોના બેડ ફુલ થઇ ગયા છે અને નવી લહેરની આશંકા વધી ગઇ છે. એવું માનવામાં આવે છે કે કોરોનાનો આ નવો વેરિઅન્ટ દેશમાં કોવિડ -19 સંક્રમણની 11મી લહેરને વેગ આપી રહ્યું છે. ચેપી રોગો એસોસિએશનના ચીફ કાઝુહિરો ટેટેડાના જણાવ્યા અનુસાર, KP.3 વેરિઅન્ટ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના કેસમાં વધુ વધારો થશે. આ સિવાય તેમણે કહ્યું કે કોરોના એવા લોકોમાં પણ થઈ શકે છે જેમને રસી આપવામાં આવી છે અથવા જેમને એક વખત ચેપ લાગ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાયરસ દર વખતે વેરિઅન્ટનું સ્વરૂપ લઈને વધુ ખતરનાક અને પ્રતિરોધક બને છે. જેમાં રસીકરણ બાદ મેળવેલી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી નષ્ટ થઈ જાય છે. આટલી મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ હોસ્પિટલોમાં બેડની અછત છે. જાપાનના સલાહકાર કાઝુહિરો ટેટેડાએ જણાવ્યું હતું કે આવતા સપ્તાહો મહત્વપૂર્ણ રહેશે કારણ કે અધિકારીઓ આ પ્રકારનો ફેલાવો અને અસર પર નજર રાખશે.
જો કે રાહતની વાત એ છે કે આમાંના મોટાભાગના કેસો ગંભીર નથી.જાપાનનો ઓકિનાવા પ્રાંત વાયરસના નવા તાણથી સૌથી વધુ પ્રભાવિત થયો છે. અહીં દરરોજ ચેપના 30 કેસ નોંધાઈ રહ્યા છે. જો કે, નવો વેરિઅન્ટ કોઇ પણ હોય અને દુનિયાના કોઇપણ ખૂણામાં હોય તેની સામે ભારતે લડવા માટે અસરકારક પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે. અગાઉ જ્યારે કોરોના ચીનમાં દેખાયો ત્યારે તેને ભારતમાં આવતો રોકવા માટે જે અસરકારક પગલાં લેવાવા જોઇએ તેવા પગલાં નહીં લેવાતા કોરોનાએ ભારતમાં પણ એન્ટ્રી કરી દીધી હતી અને હાહાકાર મચાવી દીધો હતો.
જો કે, આ વાયરસ માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયાના દરેક દેશમાં પહોંચી ગયો હતો. ભારતમાં તેને નાથવાના જે પગલાં લેવામાં આવ્યા હતા તે કાબિલે તારીફ હતાં પરંતુ, તે ભારતમાં પ્રવેશે જ નહીં તેના માટે જે પગલા લેવાયા તે એટલા અસરકારક ન હતાં. તેનો સીધો અર્થ એ થાય છે કે, કોઇપણ ખતરનાક વાયરસ કે વેરિએન્ટ જ્યાં ઉદ્ભવે એટલે કે દુનિયાના કોઇપણ દેશમાં ઉદ્દભવે તે ભારતમાં નહીં પ્રવેશે તેના માટેનો એકશન પ્લાન અત્યારથી જ ઘડાઇ જવો જોઇએ.