વલસાડ : વલસાડ (Valsad) પંથકમાં ટ્રેનોમાં (Train) થતી ચોરીની ઘટના યથાવત રહી છે. જેમાં ઘેનવાળી બિસ્કીટ (Biscuits) ખવડાવી મુસાફરોને બેહોશ કરી ચોરી કરતી ગેંગ ફરીથી સક્રિય બની છે. આ ગેંગે એક મુસાફરને બેહોશ કરી તેની સોનાની ચેન, મોબાઇલ અને રોકડ મળી કૂલ રૂ. 69 હજારની મત્તાની ચોરી કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ મુંબઇ ભાયંદરમાં રહેતા નિરવકુમાર ભરૂચથી સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુંબઇ જઇ રહ્યા હતા. તેમને મુસાફરી દરમિયાન મરોલી રેલવે સ્ટેશન પાસે કોઇ વ્યક્તિએ ઘેન વાળી બિસ્કીટ ખવડાવી દીધી હતી. જે ખાઇને તે સુઇ ગયા હતા અને પાલઘર સ્ટેશન પર ઉઠ્યા હતા. ત્યારે વલસાડ પંથકમાં કોઈ વ્યક્તિ તેની સોનાની ચેન, મોબાઇલ અને રોકડા રૂ. 2 હજાર મળી કુલ રૂ.69 હજારની મત્તાની ચોરી કરી ગયો હતો. આ બનાવ સંદર્ભે નિરવે મુંબઇ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ટ્રાન્સફર થઇને વલસાડ આવતા વલસાડ રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઓલપાડ અને કામરેજમાં ફાર્મ હાઉસમાંથી ટીવી અને એસી ચોરનારા છ ઝડપાયા
પલસાણા : સુરત જિલ્લા એલસીબીની ટીમે ચોરી કરતી ગેંગના 5 આરોપી તથા ચોરીનો માલ લેનાર સહિત કુલ છની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ચોરીના સામાન સહિત કુલ ૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબીની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં શોકત ઉર્ફે શંકર તથા પીન્ટુ પ્રજાપતિ તેના સાગરીતો સાથે અલગ-અલગ જગ્યાએ ફાર્મ હાઉસમાંથી એ.સી. તથા ટી.વી.ની ચોરી કરી તે ચોરી નો માલ લઈને વલથાણ નહેરથી સુરત શહેર તરફ જનાર છે. જેના આધારે પોલીસે કામરેજના કોસમાડી પાટિયા પર વોચ ગોઠવી હતી.
વોચ દરમિયાન બાતમી મુજબનો ટેમ્પો આવતાં પોલીસે તેને રોકી તપાસ કરી હતી. ટેમ્પોમાંથી અલગ અલગ કંપનીનાં એસી તેમજ ટીવીનો જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પોમાં બેસેલા પાંચ ઈસમને પોલીસે પૂછપરછ કરતા તેમણે અલગ-અલગ વિસ્તારમાં આવેલા ફાર્મહાઉસમાંથી આ મુદ્દામાલ ચોરી ગયો હતો. જે તેઓ સુરત શહેર ખાતે ગોપાલ મારવાડીને વેચાણથી આપતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી 12 એ.સી. કિંમત રૂપિયા એક લાખ 80 હજાર, એક એલઈડી ટીવી કિંમત રૂ.20,000, ચાર મોબાઇલ ફોન કિંમત રૂ.19,000, રોકડા રૂ.1000 અને ટેમ્પો કિંમત રૂ. 6 લાખ મળી કુલ 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ચોર પકડાતાં જ પોલીસે કામરેજના 3 અને ઓલપાડના બે મળી કુલ પાંચ ગુના ઉકેલી કાઢ્યા હતા.