ઝઘડિયા : ઝગડિયાના બંધ મકાનમાંથી રૂપિયા 6.92 લાખની કિંમતની મતાની ચોરી (stealing) થતાં મામલો પોલીસ સ્ટેશનમાં (Police Station) પહોંચ્યો છે. આ બનાવની મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્તાનના અને હાલ ઝઘડિયામાં ગોકુલનગર ખાતે ભાડાના મકાનમાં રહેતા યોગેશ સત્યનારાયણ શર્મા ઝઘડિયા GIDCમાં એક કંપનીમાં નોકરી કરે છે. ગઇ તારીખ ૧૯મીએ રજા લઇને 10 દિવસ માટે વતન રાજસ્થાન ગયા હોવાથી તેમનું મકાન બંધ હતું. ત્યારબાદ તેમના મકાન માલિકના પુત્રએ ફોન કરીને તેમના ઘરનું તાળું (Lock) તૂટ્યું હોવાનું કહેતા તેઓ રાજસ્થાનથી ઝગડિયા દોડી આવ્યા હતાં અને મકાનમાં તપાસ કરતાં સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તેમણે બેગમાં કપડાની વચ્ચે રાખેલા દાગીના પણ ગાયબ હતાં. તેમણે ઝગડિયા પોલીસ મથકમાં રોકડા રૂપિયા 3000 અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 6,92,500ની કિંમતની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોબાઇલ ચોરીના કેસમાં ખોલવડના યુવાન સહિત બેને ઝડપી પાડતી સુરત એલસીબી
પલસાણા : સુરત જિલ્લાના અલગ અલગ તાલુકામાં મોબાઇલ ચોરીને અંજામ આપતા બે ચોરને સુરત એલીસીબીએ ઝડપી લીધા હતાં. ગઇકાલે સુરત એલસીબીને બાતમી મળી હતી કે, સુરત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં થતી મોબાઇલ ચોરીમાં સંડોવાયેલા બે આરોપી ઓલપાડમાં છે. જેના આધારે પોલીસે બે મોબાઇલ ચોરને ઝડપી લીધા હતાં. ઝડપાયેલા આરોપીઓમાં તોસીફ અમીન મન્સુર (ઉ.વ ૨૫ ૨હે. ખોલવડ નવુ ફળિયું તા,કામરેજ) તથા નારાયણ સંતોષ પાત્રો (ઉ.વ ૨૭ ૨હે. સરદાર ઇન્ડસ્ટ્રી, સાયણ તા.ઓલપાડ)નો સમાવેશ થાય છે. આ બંનેએ કડોદરા, કોસંબા તેમજ ઓલપાડમાં ચાર મોબાઇલ ચોરીને અંજામ આપ્યો હતો. પબોલીસે તેમની પાસેથી રૂપિયા ૧,૧૩,૦૦૦ની કિંમતના ૬ મોબાઇલ ફોન તેમજ રૂપિયા ૫૦ હજારની કિંમતની બાઇક મળી કુલ ૧,૬૩,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે.
વાવ ગામમાં રસ્તો ક્રોસ કરી રહેલાં વૃદ્ધાનું ટ્રક અડફેટે મોત
કામરેજ : વાવ ગામે રહેતાં 65 વર્ષીય વૃદ્ધાનું ટ્રક અડફેટે મોત થયું હતું. મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તાપી બેડકીના અને હાલ કામરેજના વાવ ગામના જૂના ભાલિયાવાડમાં રહેતા અર્જુનભાઇ દિલીપભાઇ નાઇકના 65 વર્ષીય માતા વસુબેન ત્રણ દિવસ પહેલા બજારમાં ખરીદી કરવા માટે ગયા હતાં. તે સમયે એસ.આર.પી.એફ ગ્રૃપ 11 ના બીજા નંબરના ગેટની સામે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 ક્રોસ કરવા જતાં ટ્રક નંબર જીજે 25 યુ 7259 ના ચાલકે તેમને અડફેટે લીધા હતાં. તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં શનિવારે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.