સુરત : સુરતના (Surat) પરવત ગામ પુરુષોત્તમનગરમાં રહેતી ડિવોર્સી મોડેલના (Model) ઘરમાંથી તસ્કરો અંદાજે 2 લાખની ચોરી (Stealing) કરી ગયા હતા. તસ્કરો તિજોરી તોડીને તેમાંથી રોકડા (Cash) રૂ.1.08 લાખ ઉપરાંત 99000ના ઘરેણા સાથે અંદાજે 1.99 લાખની ચોરી કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. પુત્રીની સ્કુલ શરૂ થવાની હોય તેની સાથે માતાના ઘરે ઉમરવાડા ખાતે મોડલ રહેવા ગઈ હતી ત્યારે તેના બંધ ઘરનું તાળું તોડી તિજોરીમાંથી રોકડા તથા સોના ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પુરુષોત્તમનગરમાં રહેતી 26 વર્ષીય ડિવોર્સી પિંકીબેન દુબે બેલ્જીયમ સ્કવેર ખાતે મોડેલીંગનું કામ કરે છે. તેની સાત વર્ષની પુત્રીની સ્કુલ શરૂ થવાની હોય તે ગત 10 મીની રાત્રે પોતાના ઘરને તાળુ મારી ઉમરવાડા નવાકમેલા ખાતે રહેતી માતાના ઘરે ગઈ હતી. બીજા દિવસે સવારે 11 વાગ્યે તેના ઘરે પાણીની બોટલ મુકવા આવતા યુવાને ફોન કરી પૂછ્યું હતું કે પાણીની બોટલ અંદર મુકું કે બહાર ? આથી પિંકીબેને ઘરે તાળું છે તો બોટલ બહાર મૂકી દે તેમ કહેતા યુવાને તાળું તૂટેલું છે તેમ કહ્યા બાદ મકાન માલિકની પત્ની પૂજા નીચે ઉતરતા પિંકીબેને તેને ઘરમાં જઈ તપાસ કરવા કહેતા તેણે અંદર જોયું તો સામાન વેરવિખેર હતો.
ઘરમાં ચોરી થયાની જાણ થતા પિંકીબેન માતા સાથે ઘરે દોડી ગઈ હતી. અને તપાસ કરતા તસ્કરોએ ઘરનું તાળું તોડી અંદર મુકેલી લોખંડની તિજોરીનો દરવાજો ખોલી ખાનામાં રાખેલા રૂ.91,500 ની મત્તાના સોનાચાંદીના દાગીના અને રોકડા રૂ.1.08 લાખ મળી કુલ રૂ.1,99,500 ની મત્તાની ચોરી કરી હતી. બનાવ અંગે પિંકીબેને ગતરોજ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાલ ગૌરવપથ પર મકાન દલાલને ફટકારીને સોનાની ચેઇનની લૂંટ
સુરત : વોક કરવા નીકળેલા મકાન દલાલને પાછળથી ગ઼ડદાપાટુ ફટકારીને તેની ચેઇન લૂંટી લેવાનો કિસ્સો પાલ પોલીસ મથકમાં દાખલ થયો હતો. આ મામલે ફરિયાદી પિન્કેશભાઇ પ્રદ્યુમનભાઇ રેલીયાવાલા (ઉ.૩૮ ધંધો-મકાન દલાલી રહે- સી ૦૫,૩૦૬ સાંઇ મિલન રેસીડેન્સી શ્રી જલારામ ઇન્ટરનેશનલ સ્કુલની સામે પાલનપુર કેનાલ રોડ પાલ) દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. તેમાં ૧૪ નવેમ્બરના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં પિન્કેશભાઇ ચાલવા માટે ગૌરવપથ પર નીકળ્યા હતા. તે વખતે સેવીઓન સર્કલ પાસે આવતા લગભગ પોણા દસેક વાગ્યે ગૌરવપથ રોડ પર પાછળથી એક બ્લેક કલરની ટુ વ્હીલર આવીને ઉભી રહી હતી. તેમાં બાઇક પાછળ એક વ્યક્તિ બેસેલો હતો. જેણે ગળામાંથી સોનાની ચેઇને ખેંચી ધક્કો મારી ફટકાર્યો હતો. અને સોનાની ચેઇન ખેંચી સાંઈ રામ કેમ્પસ બિલ્ડીંગની ગલી તરફ પાલનપુર ગામ તરફ બે ઇસમો ભાગી ગયા હતા. પિન્કેશભાઇએ તેમની ૪૮,૦૦૦ ની ચેઇનની લૂંટની ફરિયાદ નોંધાવી હતી.