ઉમરગામ : ઉમરગામના જીઆઈડીસી, સ્ટેશન રોડ પર આવેલી ઈલેકટ્રીક દુકાનને તસ્કરોએ નિશાન બનાવી કોઈક સાધન વડે પાછળ બનાવેલો લાકડાનો દરવાજો તથા લોખંડની ગ્રીલ તોડી નાંખી અંદર પ્રવેશી રૂ.3.13 લાખની કિંમતના ઈલેકટ્રીક વાયરોના બંડલો તથા ડીવીઆર ચોરી (stealing) કરી ગયા હતાં. જે બનાવ અંગેની ફરિયાદ ઉમરગામ પોલીસ મથકમાં નોંધાવા પામી હતી.
ઉમરગામ જીઆઈડીસીના જલારામ ટેમ્પો સ્ટેન્ડની બાજુમાં, સ્ટેશન રોડ પર હિતેશસિંહ ખેંગારસિંહ ચૌહાણ (રહે. દહાડ, તા. ઉમરગામ, મૂળ બનાસકાંઠા)ની આશાપુરા ઈલેકટ્રીક દુકાન આવેલી છે. રાબેતા મુજબ રાત્રીના સાડા દશેક વાગ્યાની આસપાસ દુકાન બંધ કરી સ્ટાફને રજા આપી ઘરે નીકળી ગયા હતાં. તસ્કરોએ દુકાનને નિશાન બનાવી રાત્રીના સમયે દુકાનની પાછળનો લાકડાનો દરવાજો તથા લોખંડની ગ્રીલ કોઈક સાધન વડે તોડી નાંખી અંદર પ્રવેશી દુકાનમાં રાખેલા ઈલેકટ્રીક વાયરોના બંડલોની ચોરી કરી ગયા હતાં. સવારે દુકાનમાં સ્ટાફ આવ્યો અને દુકાન ખોલી ત્યારે દુકાનની પાછળનો દરવાજો અને ગ્રીલ તૂટેલી હતી અને દુકાનમાંથી ઈલેકટ્રીક વાયરોના બંડલોની ચોરી થઈ ગઈ હતી. તસ્કરોએ દુકાનમાં રાખેલા સીસીટીવી કેમેરા ઉપર કરી ડીવીઆર પણ ઊંચકી ગયા હતાં. ત્યારબાદ દુકાન સંચાલક દ્વારા તેની બાજુમાં આવેલી દુકાનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરતા ચાર ઈસમ નજરે પડ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ દુકાન સંચાલક હિતેશ ચૌહાણે ઉમરગામ પોલીસ મથક માં કરી હતી.
અન્ય વાહનોમાં આવેલા 3 થી 4 ઈસમો વાપી વીઆઈએના પાર્કિંગમાંથી કાર ચોરી ગયા
વાપી : વાપીના ગ્રીન એન્વાયરો કંપનીની કાર વીઆઈએ પાસે પાર્કિંગમાં મુકી હતી. જે રાત્રીના સમયમાં કારની ઉઠાંતરી તસ્કરો કરી ગયા હતાં. સીસીટીવી ફુટેજમાં અન્ય વાહનોમાં આવેલા 3 થી 4 ઈસમ નજરે પડ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ વાપી જીઆઈડીસી પોલીસ મથકે કરવામાં આવી હતી.
વાપી ગ્રીન એન્વાયરો કંપનીની કાર વીઆઈએ બિલ્ડીંગના પાર્કિંગમાં લોક કરી મુકી હતી. રાત્રીના સમયે તસ્કરો દ્વારા કોઈક સાધન વડે કારનો કાચ તોડી નકલી ચાવી અથવા અન્ય રીતે કાર ચાલુ કરી ચોરી કરી ગયા હતાં. બનાવની જાણ સવારે પટાવાળાને થતાં તેણે ફોન દ્વારા કંપની ઓફિસમાં ડેપ્યુટી મેનેજર એચઆર તરીકે નોકરી કરતા સંદીપ નિરંજન ચાંપાનેરી (રહે. ચણવઈ, અતુલ)ને કરી હતી. બાદમાં વીઆઈએમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસ કરતા અન્ય વાહનમાં ત્રણથી ચાર ઈસમ આવ્યા હતા અને કારની ઉઠાંતરી કરી જતા નજરે પડ્યા હતાં. કાર ચોરીના બનાવ અંગેની ફરિયાદ સંદીપ ચાંપાનેરીએ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી.