સુરત : મોજશોખ માટે ચોરી (Stealing) કરેલી બુલેટ (Bullet) મોટર સાયકલ લઈને ફરતા રત્નકલાકારને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમને વરાછા કુબેરનગરના પોપડા પાસેથી બુલેટ ચોરીનો આરોપી પસાર થવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી હર્ષ રમણીકભાઇ પાડોદરાને ઝડપી પાડ્યો હતો.
હર્ષ પાસે બુલેટના આધાર પુરાવા અને નંબર પ્લેટ વગરની બુલેટ મોટર સાયકલ મળી આવતા કબજે લેવાયું હતું. આરોપીની પુછપરછ કરતા પોતે રત્નકલાકાર હોવાનું જણાવ્યું હતું. અને પોતાને બુલેટ મોટર સાયકલનો શોખ હતો. પોતાના પૈસે આટલું મોંઘુ બુલેટ ખરીદી શકે તેમ નહીં હોવાથી પોતે બુલેટ મોટર સાયકલ ચોરવાનું નક્કી કર્યું હતું. વરાછા બોમ્બે માર્કેટ પાસે પાર્ક કરેલી બુલેટ મોટર સાયકલનું લોક તોડી ડાયરેક્ટ ચાલુ કરી ચોરી કરી હતી. અને તેની નંબર પ્લેટ કાઢી નાખી પોતે ફેરવતો હતો. પોલીસે પોકેટ કોપની મદદથી ચેક કરતા વરાછા પોલીસ સ્ટેશનમાં આ બુલેટ ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
વરાછામાં મહિલા વેપારીની કારનો કોચ તોડી રોકડા ૩.૫૦ લાખની ચોરી
સુરત : વરાછા સીતાનગર પાસે મહિલા વેપારીની કારનો કાચ તોડીને અજાણ્યો રૂા.3.50 લાખ ભરેલી બેગ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. જે અંગે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ અલથાણ આગમ હાઈટ્સ સનફ્લાવર ફ્લેટ નં – ૯૦૬માં રહેતા રીતીકાબેન જતીનભાઈ ખન્ના (ઉ.વ.૩૧) અઢી વર્ષથી ઍલિટસોલ સોલાર સોલ્યુસન નામથી સોલાર પ્લાન્ટનું કામકાજ કરે છે અને પીપલોદમાં ઓફિસ ધરાવે છે. રિતીકાબેન તેના પતિ સાથે પાંચ દિવસ પહેલા રૂા.3.50 લાખ રોકડા લઇને બેંકમાં ભરવા માટે ગયા હતા.
તેઓ વરાછાની શ્રીનચીકેતા વિદ્યાનિકેતન સ્કૂલમાં સોલાર પ્લાન્ટમાં સમસ્યા હોવાથી ત્યાં ચેકીંગ માટે ગયા હતા. આ ગાડી તેઓએ નીચે પાર્ક કરી હતી દરમિયાન અજાણ્યાએ ગાડીની પાછળની ભાગે ગાડીનો કાચ તોડી નાંખ્યો હતો અને દરવાજો ખોલીને ગાડીમાં બેગમાં મુકેલી રોકડા રૂા.3.50 લાખ ભરેલી બેગ ચોરી ફરાર થઇ ગયા હતા. આ બાબતે રીતીકાબેનએ વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.