ગાંધીનગર: 77માં પ્રજાસત્તાક પર્વ 26 જાન્યુઆરી 2026ની રાજ્યકક્ષાની ઉજવણી નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9:00 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝિલશે. રાજ્યકક્ષાની ઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરાશે.
આ રાષ્ટ્રીય પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓના તાલુકા મથકોએ જે ઉજવણી થશે તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં મકરબા ખાતે ધ્વજવંદન કરાવશે. આ ઉપરાંત રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ જે તે જિલ્લાઓના તાલુકા મથકોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરાવશે.
રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ સંદર્ભમાં જાહેર કરાયેલી વિગતો મુજબ, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ નવસારી જિલ્લાના ચિખલીમાં, કૃષિ મંત્રી જીતુ વાઘાણી રાજકોટ જિલ્લાના જેતપુરમાં, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર જિલ્લાના માણસામાં, શ્રમ-રોજગાર મંત્રી કુંવરજી બાવળીયા પોરબંદર જિલ્લાના રાણાવાવમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ વલસાડ જિલ્લાના ઉમરગામમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા દાહોદ જિલ્લાના ગોવિંદગુરૂ-લિંબડીમાં, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાબરકાંઠાના હિંમતનગરમાં, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી ખેડાના ઠાસરા તાલુકામાં, ધ્વજવંદન કરાવશે.
રાજ્ય કક્ષાના મંત્રીઓ પૈકી જળ સંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ નર્મદા જિલ્લાના એકતાનગર(કેવડિયા)માં, રમત ગમત રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામિત ડાંગ જિલ્લાના આહવામાં, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા આણંદ જિલ્લાના ખંભાતમાં ધ્વજ વંદન કરાવશે. રાજ્યના જે 9 જિલ્લાના તાલુકા મથકોએ જિલ્લા કલેક્ટરો દ્વારા પ્રજાસત્તાક દિને ધ્વજવંદન થવાનું છે તેમાં અરવલ્લીના મેઘરજ, બનાસકાંઠાના ઓગડ, ભરૂચના આમોદ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ તેમજ જામનગરના કાલાવડ અને જુનાગઢના કેશોદ ઉપરાંત મોરબી જિલ્લાના ટંકારા તથા સુરત જિલ્લાના માંડવી અને તાપીના ઉચ્છલમાં સંબંધિત કલેક્ટર ધ્વજવંદન કરાવશે.