સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ સોશિયલ મીડિયા પર એક એવી ટી-શર્ટ પહેરેલી તસવીર શેર કરી છે. જેમાં કૂતરાની તસવીર સાથે RSSનો સંદર્ભ જોવા મળે છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ એક નવો વિવાદ ઉભો થયો છે. આ ટી-શર્ટની ડિઝાઇન આ રીતે હતી કે ઘણા લોકોએ તેને RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ની મજાક તરીકે જોઈ.
આ તસવીર વાઇરલ થતાં જ ભાજપ તરફથી આકરી પ્રતિક્રિયાઓ આવી છે અને પોલીસ કાર્યવાહી સુધીની ચેતવણી આપવામાં આવી છે. કામરાએ આ ફોટો ગત તા. 24 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો હતો.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુળેએ સ્પષ્ટ કહ્યું કે સોશિયલ મીડિયામાં આવી “વાંધાજનક” સામગ્રી પોસ્ટ કરનારાઓ સામે હવે પોલીસ કાર્યવાહી થશે. જોકે તેમની આ પ્રતિક્રિયા સીધી કુણાલ કામરાની પોસ્ટ તરફ નિશાન સાધતી હતી. બાવનકુળેએ જણાવ્યું કે આવી પોસ્ટમાં RSSનું અપમાન થયું છે અને તે સ્વીકાર્ય નથી.
શિવસેના (શિંદે ગૃપ)ના મંત્રી સંજય શિરસાટએ પણ આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે RSS સામે આવી પોસ્ટ કરવી “સીધી હુમલો ” ગણાય છે. શિરસાટે યાદ અપાવ્યું કે કામરાએ અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પણ નિશાના પર લીધા હતા. તેમના મત પ્રમાણે હવે RSS પર કટાક્ષ કરીને કામરાએ સીમા પાર કરી છે અને ભાજપે તેના વિરુદ્ધ જવાબ આપવો જોઈએ.
આ પહેલાં પણ કુણાલ કામરા અનેક વિવાદોમાં રહ્યા છે. માર્ચમાં તેમણે તેમના શોમાં એક ગીતના શબ્દોમાં ફેરફાર કરીને શિંદેની રાજકીય કારકિર્દી પર મજાક કરી હતી. જેના કારણે ગુસ્સે ભરાયેલા શિવસેના કાર્યકરોએ મુંબઈમાં એક કોમેડી ક્લબ અને હોટલને નુકસાન પહોંચાડ્યું હતું.
ભાજપના નેતાઓએ આ પોસ્ટને “અપમાનજનક, ઉશ્કેરણીજનક અને અશોભનીય” ગણાવી છે. હવે નજર એ પર છે કે શું પોલીસ વાસ્તવમાં કાર્યવાહી કરશે કે નહીં? કારણ કે મુદ્દો માત્ર રાજકીય જ નહીં પરંતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા સામે માનહાનિનો પ્રશ્ન પણ બની ગયો છે.