કોન્ટ્રાક્ટરે અધૂરું કામ કર્યું, અધિકારીઓ મૌન: દર્દીઓના જીવ જોખમમાં મૂકી ‘તત્કાલ’ શરૂઆતની ઉતાવળ શા માટે?



વડોદરા મધ્ય ગુજરાતની સૌથી મોટી સર સયાજીરાવ જનરલ (SSG) હોસ્પિટલમાં બનેલા નવા ઈમરજન્સી ઓર્થોપેડિક વિભાગનું સત્ત્વ બહાર આવી ગયું છે. રૂ. 77 લાખનો ખર્ચ કરવા છતાં, આ વોર્ડમાં માત્ર સુવિધાઓનો અભાવ જ નહીં, પણ વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અધૂરી તૈયારીઓ, ગેરવ્યવસ્થા અને જૂના સાધનો સાથે શરૂ કરાયેલો આ વોર્ડ હાલમાં દર્દીઓ માટે ‘રાહત’ નહીં, પણ ‘મુસીબત’ બની ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ ઈમરજન્સી વિભાગ પાછળ રૂ. 77 લાખનો માતબર ખર્ચ થયો હોવા છતાં, કોન્ટ્રાક્ટરે કામગીરી અધૂરી મૂકી દીધી છે. વોર્ડમાં આજે પણ પંખાની વ્યવસ્થા નથી, ઇમરજન્સી સારવાર માટેના પૂરતા સાધનો નથી અને જે સાધનો છે તે બિનકાર્યક્ષમ છે.
આટલા મોટા અને ‘ઈમરજન્સી’ ગણાતા ઓર્થોપેડિક વોર્ડમાં દર્દીઓ માટે માત્ર 15 ખાટલા જ મૂકવામાં આવ્યા છે, જે દર્દીઓની ભારે અવરજવર સામે અપૂરતા છે. 77 લાખના ખર્ચ સામે પૂરતી બેડની વ્યવસ્થા કેમ નથી?
તાત્કાલિક સારવાર અને સર્જરી પહેલાં જરૂરી એવા ECG મશીન નવા લગાવવાને બદલે, અહીં જૂના અને ઘસાઈ ગયેલા મશીનો ગોઠવવામાં આવ્યા છે. આ દર્શાવે છે કે ફંડનો ઉપયોગ ગુણવત્તાયુક્ત સાધનો પાછળ નહીં, પણ ક્યાંક બીજે જ થયો છે.
વોર્ડની બહાર ગંદકીના ઢગલા અને સ્વચ્છતાનો અભાવ બતાવે છે કે સફાઈ પાછળનું કે મરામત પાછળનું ફંડ યોગ્ય રીતે વપરાયું નથી.
હોસ્પિટલના વહીવટીતંત્રે આટલી ખામીઓ હોવા છતાં, ઉતાવળે વોર્ડ ચાલુ કરવાનો નિર્ણય શા માટે લીધો? હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને આર.એમ.ઓ. આ અધૂરી અને ભ્રષ્ટ કામગીરી સામે ચૂપ કેમ છે?
લોકોમાં આક્રોશ છે કે જે કોન્ટ્રાક્ટરે સરકારી તિજોરીના રૂ. 77 લાખ ખર્ચ્યા બાદ પણ અધૂરું, અસુવિધાજનક અને ભ્રષ્ટ કામ કર્યું હોય, તેવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવો જોઈએ.
SSG હોસ્પિટલના વહીવટી તંત્રે જો તાત્કાલિક પગલાં નહીં લીધા, તો આ મુદ્દો વિપક્ષ અને સામાજિક સંગઠનો દ્વારા વધુ ઉગ્ર વિરોધ અને આંદોલનનું સ્વરૂપ લેશે.