હોસ્પિટલ સ્ટાફ દ્વારા પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરાઈ, એમ્બ્યુલન્સ સાફ કરી અને સેવ-ઉસળની લારી પર કામ કરી ગુજરાન ચલાવતો હતો

(પ્રતિનિધિ), વડોદરા. તા.12
શહેરની મધ્યમાં આવેલી સયાજી હોસ્પિટલના પરિસરમાં આજે એક પુરુષનો મૃતદેહ મળી આવતા હોસ્પિટલ કેમ્પસમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઇમર્જન્સી વોર્ડની બિલકુલ પાછળ અને કેન્ટીનની સામેના ભાગે આ મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, આજે ઇમર્જન્સી વોર્ડની પાછળના ખુલ્લા ભાગમાં એક વ્યક્તિ બેભાન સુતેલી અવસ્થામાં મળી આવ્યો હતો. આસપાસના લોકોએ તપાસ કરતા તે મૃત હોવાનું જણાયું હતું. નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિનું મૃત્યુ અંદાજે એક કલાક પૂર્વે જ થયું હોવાનું મનાય છે. ઘટનાની જાણ થતા જ એસએસજી હોસ્પિટલનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્થાનિક લોકો અને હોસ્પિટલ પાસે નાની-મોટી રોજગારી મેળવતા લોકોમાં આ વ્યક્તિ પરિચિત હતો. જોકે તેનું સત્તાવાર નામ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ તેને લોકો લાડમાં ‘જાડિયો’ કહીને સંબોધતા હતા. તે હોસ્પિટલમાં આવતી એમ્બ્યુલન્સો સાફ કરવાનું કામ કરતો હતો. હોસ્પિટલની બહાર ઉભી રહેતી સેવ-ઉસળની લારીઓ પર ડિશો ધોવાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.
હાલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી છે. મૃતકનું મોત કુદરતી છે કે અન્ય કોઈ કારણોસર, તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસ હાલ આ વ્યક્તિના વાલી-વારસોની શોધખોળ કરી રહી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.