Vadodara

SSG માં અજાણ્યા વ્યક્તિ દ્વારા દર્દીને ટાંકા લેતા હોવાનો વિડિયો વાયરલ થતાં તંત્ર એક્શનમા…

એસ.એસ.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા સમગ્ર મામલે અઠવાડિયામાં તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની વાત કરાઇ

સુપ્રિટેન્ડન્ટ દ્વારા સમગ્ર મામલે સુરક્ષા કર્મીઓ પર દોષનો ટોપલો ઢોળવામા આવ્યો

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલ કે જ્યારે વડોદરા શહેર, જિલ્લા રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યોના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર અર્થે અહીં આવતા હોય છે. આ હોસ્પિટલમાં ક્યારેક તબીબો, સ્ટાફ, સિક્યુરિટીને કારણે તો ક્યારેક ફાયર એન ઓ સી ને લઇને અનેકવાર વિવાદોમાં ઘેરાઇ છે ત્યારે હવે વધુ એકવાર હોસ્પિટલમાં ઘોર બેદરકારી જોવા મળી છે. જેમાં બે દિવસ પહેલા રાત્રિ દરમિયાન ઇમરજન્સી વિભાગમાં એક ખાનગી એમ્બયુલન્સ ના ડ્રાઇવર દર્દીના ટાંકા લેતો હોવાનો વિડિયો વાયરલ થતાં જ સમગ્ર હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વીડિયો વાઇરલ થતાં આ હોસ્પિટલની ભારે બદનામી થઇ હતી અને હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રંજન ઐયર દ્વારા તાત્કાલિક તપાસના આદેશ અપાયો હતો.અને ઉચ્ચ કક્ષાએ સમગ્ર મામલાની તપાસ માટે પત્ર લખવામાં આવ્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર વડોદરાની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એમ્બ્યુલન્સના એક ડ્રાઇવરે એક દર્દીના ટાંકા લીધા હતા. આ ડ્રાઇવરને પણ ખબર નહોતી કે પોતાની આ કરતૂતનો કોઇ વીડિયો ઉતારી રહ્યો છે, આ ડ્રાઇવરે એક નિષ્ણાત ડોક્ટરની અદાથી દર્દીના ટાંકા લીધા ત્યાં સુધી ઇમરજન્સી વિભાગના વડા, સ્થળ ઉપરના રેસિડેન્ટ ડોક્ટર કે નર્સને એમ કોઇને જાણ થઇ નહોતી, અથવા તો પછી એમ કહી શકાય કે તેઓની મંજૂરીથી અને રહેમ નજરથી જ ડ્રાઇવરે દર્દીના ટાંકા લેવાનું દુઃસાહસ કર્યું હોવું જોઇએ.વીડિયો વાઇરલ થતાં સફાળા જાગેલી એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન ઐયરે મિડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ વીડિયો ધ્યાનમાં આવતા મેં તાત્કાલિક આ વીડિયોની સચ્ચાઇ તપાસવા, આદેશ આપ્યો છે. તે સાથે આ ડ્રિવર કોણ છે, ક્યાંની એમ્બ્યુલન્સ છે ને ટાંકા લેનાર દર્દી કોણ છે તે અંગેની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે.અમારા મિડિયા સાથેની વાતચીતમાં શરૂઆતમા અજાણ્યા એમ્બયુલન્સના ડ્રાઇવરે આ કરતૂત કરી હોવાની આશંકા વ્યક્ત કરી હતી ત્યારબાદ થોડી વારમાં કોઇ રેસિડેન્ટ ડોક્ટરની સાથે આવતો તેઓના પરિચિત હોવાનું તેમણે જણાવ્યું હતું સાથે જ તેમણે સમગ્ર મામલે હોસ્પિટલ પ્રશાસનનો બચાવ કરતાં હોય તેમ સમગ્ર મામલે સિક્યુરિટી ને જવાબદાર ઠેરવી હતી અને જણાવ્યું હતું કે, જો એરપોર્ટ પર હોય તેવી સિક્યુરિટી હોત તો કોઇ વ્યક્તિ આવી હરકત ન કરી શકત. છેલ્લા ઘણા સમયથી પાંચેય ધારાસભ્યો સાથે વિધાનસભામાં એસ.એસ.જી.હોસ્પિટલમાં વર્ગ 4ના મહેકમ કર્મચારીઓ પૂરતા નથી તે અંગેની રજૂઆત પણ કરવામાં આવી હતી છતાં કોઇ પરિણામ આવ્યું નથી જેના કારણે ઓપીડી તથા ઇમરજન્સી સહિતના વિભાગમાં દર્દીઓ ના સગાની આડમાં કેટલાક લોકો ઘૂસી જાય છે. હાલ તપાસ ચાલી રહી છે પરંતુ હજી સુધી હોસ્પિટલ પ્રશાસન પાસે અજાણ્યા વ્યક્તિની ઓળખ હજી સુધી સ્પષ્ટ થઇ નથી. અહીં સવાલ એ થાય છે કે, તબીબોની પરવાનગી વિના આ રીતે અન અધિકૃત વ્યક્તિ ટાંકા કેવી રીતે લ ઇ શકે?જો દર્દીને કંઇ થાય તો જવાબદાર કોણ?

જે પણ અજાણ્યા વ્યક્તિએ દર્દીના ટાંકા લીધા તે વ્યવસ્થિત લીધા છે.

ગત 03જી ઓગસ્ટની રાત્રે અંદાજે 11 થી 12 અરસામાં એસ.એસ.જી.હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં જે રીતે અજાણ્યા વ્યક્તિ દ્વારા દર્દીના ટાંકા લેવામાં આવ્યા હતા જેમાં સુરક્ષા કર્મીઓની ચૂક જણાય છે કાં તો ઉંઘવાના ચક્કરમાં સ્થળ પર ન હોય વ્યક્તિ અંદર ગયો હોવો જોઇએ.જેણે ટાંકા લીધા છે તે વ્યવસ્થિત લીધા છે એના પરથી કહી શકાય કે આ વ્યક્તિ ટાંકા લઇ શકે છે. હોસ્પિટલમાં મહેકની અછત છે. અઠવાડિયામાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.

ડો.રંજન ઐયર-સુપ્રિટેન્ડન્ટ, એસ.એસ.જી.હોસ્પિટલ, વડોદરા

Most Popular

To Top