Sports

ટીમ ઇન્ડિયા-શ્રીલંકા વચ્ચેની સીરિઝનો કાર્યક્રમ કોરોનાને કારણે બદલાયો

નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Indian cricket team) અને શ્રીલંકા (Srilanka) વચ્ચે રમાનારી મર્યાદિત ઓવરોની સીરિઝ (Series)નો કાર્યક્રમ અચાનક કોરોના (Corona)ના કારણે બદલી નાખવામાં આવ્યો છે. શ્રીલંકાના બેટિંગ કોચ (batting coach) ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જી ટી નિરોશનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ (Corona positive) આવ્યા પછી આ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ વન ડે સીરિઝની પહેલી મેચ 13 જુલાઇએ રમાવાની હતી તે હવે 17 જુલાઇથી શરૂ કરવામાં આવી શકે છે.

3 વન ડે અને 3 ટી-20ની મર્યાદિત ઓવરોની સીરિઝ હવે 13ને સ્થાને 17 જુલાઇથી શરૂ થવાની શક્યતા

શ્રીલંકન ટીમના સપોર્ટ સ્ટાફમાં કોરોનાના બે કેસ મળ્યા પછી હવે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ શનિવારે આ સીરિઝનો નવો કાર્યક્રમ જાહેર કરે તેવી સંભાવના છે. એક વેબસાઇટના જણાવ્યા અનુસાર વન ડે મેચની શરૂઆત 17 જુલાઇએ થયા પછી બાકીની બે મેચ 19 અને 21 જુલાઇએ રમાડી શકાશે. જ્યારે ટી-20 સીરિઝની મેચ 24, 25 અને 27 જુલાઇએ રમાડવામાં આવે તેવી સંભાવના છે. પહેલા આ સીરિઝની શરૂઆત 13 જુલાઇથી થઇને 25 જુલાઇએ પૂર્ણ થવાની હતી.

શ્રીલંકાની ટીમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટને કોરોના થતાં કાર્યક્રમમાં ફેરફાર કરાયો

ભારત સામેની મર્યાદિત ઓવરોની સીરિઝ શરૂ થાય તે પહેલા શ્રીલંકાની ટીમનો ડેટા એનાલિસ્ટ જી ટી નિરોશનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. શ્રીલંકન ક્રિકેટ બોર્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ટીમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર ગુરૂવારે કોરોના પોઝિટિવ થયા પછી શ્રીલંકન ક્રિકેટ ટીમમાં કોરોનાનો આ બીજો કેસ મળ્યો છે. શ્રીલંકા ક્રિકેટે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે શ્રીલંકન ક્રિકેટ ટીમનો ડેટા એનાલિસ્ટ જી ટી નિરોશનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ રહ્યો છે. નિવેદનમાં કહેવાયું હતું કે ગ્રાન્ટ ફ્લાવર કોરોના પોઝિટિવ થતાં નેશનલ ટીમના ખેલાડીઓ, કોચીસ અને સપોર્ટ સ્ટાફનો ગુરૂવારે આરટીપીસીઆર ટેસ્ટ કરાવાયો હતો, જેમાં જી ટી નિરોશનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

નિવેદનમાં જણાવાયું હતું કે નિરોશન મેડિકલ પ્રોટોકોલ અનુસાર સારવાર કરાવી રહ્યો છે. ટીમ ઇન્ડિયા સામેની સીરિઝ 13 જુલાઇથી શરૂ થઇ રહી છે. ફ્લાવર ઇંગ્લેન્ડથી ટીમ પરત ફરી તેના 48 કલાક પછી પોઝિટિવ થયો હતો અને ત્યારથી આઇસોલેટ છે.

Most Popular

To Top