આપણા નાનકડા, દક્ષિણી પાડોશી દેશ શ્રીલંકામાં સપ્તાહોથી ભયંકર આર્થિક કટોકટી સર્જાઇ છે. લગભગ તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓની ત્યાં ભારે તંગી સર્જાઇ છે. લશ્કરની હાજરી વચ્ચે ત્યાં પેટ્રોલ પમ્પો પર લોકોને પેટ્રોલ વેચવું પડ્યું તે બાબત આ કટોકટીની તીવ્રતા દર્શાવે છે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, રાંધણગેસ જેવા ઇંધણોની તો ત્યાં ભારે તંગી છે. કેરોસીન અને ગેસ જેવા ઇંધણોની તંગીને કારણે રાંધવાની મુશ્કેલી તો છે જ, પરંતુ કઠણાઇ તો એ છે કે અનાજ, દૂધ જેવી ખોરાકી ચીજવસ્તુઓની પણ ભારે તંગી છે અને તેમના ભાવ પણ ખૂબ વધી ગયા છે. રોજના વીજ કાપ સામાન્ય બાબત બની ગઇ છે અને વિજળીના અભાવે સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા રાત્રે શેરીઓમાં અંધારુ રહે છે. પ્રજાજનોએ કેવી સખત મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે તે આના પરથી કલ્પી શકાય છે. શ્રીલંકામાં સર્જાયેલ આ ભયંકર આર્થિક સંકટના કારણે પ્રજામાં સરકાર સામે વ્યાપક રોષ ફાટી નિકળ્યો છે.
અને દેશમાં ઠેર ઠેર દેખાવો અને હિંસાના બનાવો વચ્ચે એક મોટા ટોળાએ રાજધાની કોલંબોમાં રાષ્ટ્રપ્રમુખ ગોટાબાયા રાજાપકસેના નિવાસસ્થાન પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો જે લોકરોષની તીવ્રતા સૂચવે છે. સેંકડો દેખાવકારો ગુરુવારે રાત્રે પ્રમુખના નિવાસસ્થાનની બહાર ભેગા થઇ ગયા હતા અને તેમનામાંથી ઘણાએ પ્રમુખના આવાસની અંદર ધસી જવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાને ખાળવા માટે પ્રમુખ આવાસની ચોકી કરતા સુરક્ષા કર્મચારીઓએ ટિયર ગેસ છોડ્યો હતો અને વોટર કેનનનો મારો ચલાવ્યો હતો. પરિસ્થિતિ ગંભીર જણાતા સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ નામના એક ખાસ અર્ધ લશ્કરી દળની ટીમ બોલાવવામાં આવી હતી અને સખત બળપ્રયોગ કરીને દેખાવકારોને ખદેડી મૂકવામાં આવ્યા હતા. દેખાવકારોએ પ્રમુખના ઘરની બહાર અનેક વાહનોને આગ ચાંપી હતી.
તેઓ પ્રમુખ અને આખી કેબિનેટના રાજીનામાની માગણી કરતા હતા. શ્રીલંકામાં અન્ય સ્થળે પણ તોફાનો થયા હોવાના અહેવાલ હતા. આ બાબતો સૂચવે છે કે લોકોમાં રાજપકશેની સરકાર સામે કેટલો રોષ છે. ત્યાં પેટ્રોલનો ભાવ તો લીટરે ૩૦૦ રૂ. પર પહોંચ્યો છે. રોજના ૧૦થી ૧૨ કલાકનો પાવર કાપ મૂકાતો હોવાને કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે અને પરિસ્થિતિ એટલી મુશ્કેલ છે કે ડીઝલના અભાવે જનરેટરો પણ ચલાવી શકાતા ન હોવાને કારણે હોસ્પિટલો દર્દીઓના ઓપરેશનો કરવાની પણ ના પાડી રહી છે. સ્વાભાવિકપણે આવી કઠોર સ્થિતિમાં લોકો અકળાઇ જ જાય અને દિવસોની ધીરજ પછી લોકો હવે અકળાઇ ગયા છે અને આગામી દિવસોમાં લોકોની કઠણાઇઓ ઘટાડવા માટે જો કોઇ નક્કર પ્રયાસો નહીં થાય તો વધુ હિંસા ફાટી નિકળી શકે છે. મોટા પાયે હિંસાના દેખીતા ભયથી જ શ્રીલંકાની સરકારે કટોકટી જાહેર કરી અને દેશભરમાં ૩૬ કલાકનો કરફ્યુ લાગુ પાડ્યો, પરંતુ તેમ છતાં લોકો કરફ્યુ ભંગ કરીને વિરોધ પ્રદર્શનો કરવા નિકળી પડ્યા.
શ્રીલંકામાં હાલ જે આર્થિક કટોકટી સર્જાઇ છે તેના મૂળ આ દેશના વધુ પડતા દેવામાં રહેલા છે. શ્રીલંકા ચા, રબર જેવા ખેત ઉત્પાદનો અને ગાર્મેન્ટ જેવી મર્યાદિત ચીજવસ્તુઓની નિકાસ કરે છે અને ઘણી બધી વસ્તુઓની આયાત કરે છે. દેશને જેમ બને તેમ સ્વનિર્ભર કરવાના કે પછી આવકના સ્ત્રોતોનું વૈવિધ્યકરણ કરીને વિદેશી હુંડીયામણ વધારવાના નક્કર પ્રયાસો ત્યાંની સરકારોએ કર્યા જ નથી તે જણાઇ આવે છે. નિકાસો ઓછી અને આયાતો ઘણી બધી વધારે હોવાથી આ દેશનું વિદેશી હુંડીયામણ અનામત ભંડોળ ખૂબ ઓછું રહે છે. વળી, છેલ્લા કેટલાક સમય દરમ્યાન આ દેશે ઘણુ દેવું કરી નાખ્યું છે. આ બધુ ઓછું હોય તેમ હાલની સરકારે મોંઘા ફર્ટિલાઇઝરની આયાત બંધ કરવા ગયા વર્ષે કેમિકલ ફર્ટિલાઇઝરથી ખેતી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો. આ પ્રતિબંધ મૂકયો તો ખરો પરંતુ ઓર્ગેનિક કે પાકૃતિક ખેતી માટે ખેડૂતોને પુરતી તાલીમ આપી નહીં જેના પરિણામે ખેત ઉત્પાદન ખૂબ ઘટી ગયું. ખેડૂતોના વિરોધ પછી ગયા વર્ષના જ અંતભાગે પ્રતિબંધ ઉઠાવી લેવાયો તો ખરો પરંતુ ઘણુ નુકસાન થઇ ગયું હતું. આવી તઘલખી નીતિઓના કારણે અને કુટુંબવાદના કારણે શ્રીલંકામાં રાજપકશે સરકાર સામે વ્યાપક લોકરોષ ભભૂકી રહ્યો છે અને લાંબા સમય સુધી અશાંતિ જોઇ ચુકેલો આ નાનકડો ટાપુ દેશ હવે આર્થિક સંકટને કારણે અશાંતિની મોટી આગમાં સપડાઇ જાય તેવા સંજોગો ઉભા થયા છે.