નવી દિલ્હી: મુખ્તાર અંસારીના (Mukhtar Ansari) નિધન બાદ તેમના પ્રિયજનો કોઈને કોઈ રીતે શોક વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ઘણા રાજકીય પક્ષોના નેતાઓ ગાઝીપુર પહોંચીને તેમના પરિવારને મળી રહ્યા છે. ત્યારે સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) લખનૌ (Lucknow) કાર્યાલયની બહાર મુખ્તાર અંસારીના એક હોર્ડિંગનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ હોર્ડિંગ સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યુવા બ્રિગેડના પૂર્વ રાજ્ય સચિવ રામ સુધાકર યાદવ દ્વારા લગાવડાવવામાં હતું.
સપા પ્રમુખ અખિલેશ યાદવ 7 એપ્રિલે ગાઝીપુર જઇને મુખ્તાર અંસારીના પરિવારને મળશે તેવી માહિતી પણ સામે આવ્યા બાદ હવે, લખનૌમાં એક પોસ્ટર વાઇરલ થયું છે. આ પોસ્ટરમાં મુખ્તાર અન્સારી સાથે સમાજવાદી પાર્ટીના નેતા રામ સુધાકર અને મુખ્તાર અંસારીના ફોટા છે. આ પોસ્ટરમાં એક ખાસ અપીલ પણ કરવામાં આવી હતી. અપીલમાં કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે કોઇ પણ વ્યક્તિ આગામી ઇદની ઉજવણી ન કરે. જો કે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને હોર્ડિંગ હટાવી લીધું હતું.
એસપી ઓફિસની બહાર લગાવવામાં આવેલા આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ખુબ જ દુઃખ સાથે રાજ્યના તમામ લોકોને અને દેશવાસીઓને વિનંતી કરવામાં આવે છે કે 2024ની આવનારી ઈદ પર મુસ્લિમ ભાઈઓ અને બિન-મુસ્લિમ ભાઈઓ, પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અન્સારીના આકસ્મિક નિધનના કારણે ઈદની ઉજવણી કરશો નહીં. તેમજ ઈદના દિવસે ઈદગાહની બહાર ઉભા રહીને બે મિનિટનું મૌન પાળી અન્સારીજીની આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરશો.
સપા નેતા રામ સુધાકરે પોસ્ટર લગાવ્યા હતા
મુખ્તાર અંસારીના મોત બાદ મામલો હજુ શાંત થયો નથી. અવાર નવાર મુખ્તારના મામલે કંઇક ને કંઇક સાંભળવા મળે છે. થોડા દિવસો પહેલા એક પોલીસ કર્મચારીએ મુખ્તારના નામે મોબાઈલ સ્ટેટસ પોસ્ટ કર્યું હતું. હવે સમાજવાદી પાર્ટીના નેતા રામ સુધાકરે લખનૌમાં મુખ્તાર અંસારીના ફોટા સાથેનું પોસ્ટર લગાવ્યું છે. જેમાં તેમણે મુસ્લિમોને ઈદના દિવસે ઈદગાહ ખાતે બે દિવસ મૌન પાળવા જણાવ્યું હતું.
મુખ્તાર અન્સારીનું મૃત્યુ ક્યારે થયું?
મુખ્તાર અન્સારીનું 28 માર્ચે બાંદા મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બાંદા જેલમાં તેમની તબિયત બગડ્યા બાદ મુખ્તાર અંસારીને રાની દુર્ગાવતી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું હૃદયરોગના હુમલાને કારણે મોત થયું હતું. તેમજ અંસારીના મૃતદેહને તેમના વતન ગાઝીપુરના કાલીબાગ નામના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો.