નવી દિલ્હી : બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ટુકડીના ચીફ મેડિકલ ઓફિસર રહેલા અરુણ બેસિલ મેથ્યુને લાગે છે કે ભારતીય ખેલાડીઓએ (Indian Players) ઉચ્ચ સ્તરે સ્પોર્ટસ સાયન્સને (Sports Science) સમજવામાં ઘણો લાંબી મજલ કાપી છે પણ હજુ ય તેમનામાં સુધારાને અવકાશ છે. ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ટીમની સાથે ગયેલા મેથ્યુએ બર્મિંઘમ ગેમ્સમાં ખેલાડીઓની તબીબી જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું હતું.
તેમણે પીટીઆઈને કહ્યું હતું કે આજકાલ મોટાભાગના લોકોને ટ્રેનીંગ, આહાર, ઈજાઓ વિશે સારી જાણકારી હોય છે. આ શક્ય બનાવનાર કોચનો આભાર. મારે કહેવું જોઈએ કે ભારતીય રમતગમતમાં આ એક નવી બાબત છે અને તેનું શ્રેય સરકારની નીતિઓ અને સારી વ્યૂહરચનાઓને જાય છે. તેમણે એવું પણ કહ્યું હતું કે સુધારણા અને અપગ્રેડેશનને હજુ પણ અવકાશ છે. ખેલાડીઓ અને સહાયક સ્ટાફને સ્પોર્ટસ સાયન્સમાં વધુ શિક્ષિત કરવાની જરૂર છે. ટ્રેનીંગનું યોગ્ય મોડેલ, ન્યૂટ્રીશિયન અને ઈજાને રોકવા માટેની વ્યૂહરચના, આરામ અને પુનર્વસન કાર્યક્રમ યોગ્ય કરવો પડશે.
સરકારે પાયાના ગ્રાસરૂટ લેવલેથી પ્રતિભાઓને નિખારીને તેમને સ્પોર્ટસ સાયન્સનું સારું જ્ઞાન આપવાની જરૂર છે. તેમણે એવું પણ કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન પીવી સિંધુ સહિત ચાર ભારતીય એથ્લેટને કોરોના થયો હતો. તેમણે કહ્યું હતું કે સિંધુ શરૂઆતમાં પોઝિટિવ જોવા મળી હતી પરંતુ તેની સીટી વેલ્યુ ઘણી વધારે હતી એટલે કે અન્યને ચેપ લાગવાનું કોઈ જોખમ નહોતું. બાદમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેને કોઈ લક્ષણો પણ નહોતા.