Sports

ગુરૂવારે પંજાબ કિંગ્સને હરાવી જીતના માર્ગે પરત ફરવાની આરસીબીની ખેવના

મોહાલી : આઇપીએલ 2023ની (IPL 2023) આવતીકાલે ગુરૂવારે ડબલ હેડરની અહીં રમાનારી પહેલી મેચમાં જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અહીં મેદાને ઉતરશે ત્યારે તેમની નજર પંજાબ કિંગ્સને હરાવીને ફરી જીતના માર્ગે પરત ફરવા પર રહેશે. આરસીબી સામેની મેચમાં પંજાબને આશા છે કે ઓપનર બેટ્સમેન અને કેપ્ટન શિખર ધવન ટીમમાં વાપસી કરશે. ફોર્મમાં ચાલી રહેલો 37 વર્ષીય ધવન ખભાની ઈજાને કારણે 15 એપ્રિલે લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મેચમાં ચૂકી ગયો હતો.

આરસીબી એક સખત પ્રતિસ્પર્ધી છે અને જો ધવન નહીં રમી શકે તો તેના સ્થાને ટીમનું સુકાન સંભાળનાર સેમ કરન જાણે છે કે તેણે પણ ફાફ ડુ પ્લેસિની આગેવાની હેઠળની આરસીબીને હરાવવા માટે બેટથી પણ યોગદાન આપવું પડશે. બેટ્સમેન તરીકે તેનું ખરાબ ફોર્મ ચિંતાનું કારણ છે કારણ કે તે છેલ્લી મેચમાં માત્ર છ રન જ બનાવી શક્યો હતો. જો કે તેની ત્રણ વિકેટે કેએલ રાહુલની ટીમને આઠ વિકેટે 159 રન સુધી રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ધવનની ફિટનેસ શંકાસ્પદ હોવાથી તેના ઓપનિંગ પાર્ટનર પ્રભસિમરન સિંહે સમજદારીપૂર્વક રમવું પડશે.

કેપ્ટન ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી ઇનિંગ્સની શરૂઆત કરીને શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ચોથા નંબર પર ગ્લેન મેક્સવેલે સારું પ્રદર્શન કર્યું છે. તેમના પછી, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક અને સુયશ પ્રભુદેસાઈએ પણ તેમની યોગ્યતા સાબિત કરી છે પરંતુ ટોચના ક્રમમાં સાતત્ય ન હોવાથી તેમને નિરાશા જ મળી છે.

Most Popular

To Top