લખનઉ : પોતાના બેટ્સમેનોના કંગાળ પ્રદર્શનને કારણે છેલ્લી બે મેચ હારનારી પંજાબ કિંગ્સની (PBKS) ટીમ લખનઉ સુપર જાયન્ટસ સામે અહીં જ્યારે શનિવારે સાંજે 7.30 વાગ્યાથી શરૂ થનારી મેચમાં મેદાને ઉતરશે ત્યારે તેમની નજર પોતાના બેટીંગ વિભાગમાં સુધારો કરીને જીતના માર્ગે પરત ફરવા પર રહેશે. સામે પક્ષે લખનઉ સુપર જાયન્ટસ ઘરઆંગણે વધુ એક જીત મેળવીને પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચવા પર નજર માંડીને બેઠું છે.
પંજાબ કિંગ્સ માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેમના કેપ્ટન શિખર ધવન સિવાય કોઇ બેટ્સમેન ટીમ માટે એવું ઉપયોગી પ્રદર્શન કરી શક્યો નથી. તેમાં પણ મિડલ ઓવરોમાં ઝડપથી રન ન બનવાના કારણે તેમનો સ્કોર એટલો મોટો રહેતો નથી. ગુજરાત સામેની છેલ્લી મેચમાં તેમના 56 ડોટ બોલ રહ્યા હતા, જેમાં ટીમે સુધારો કરવાની ખાસ જરૂર છે. ઓપનર પ્રભસિમરન સિંહ પહેલી મેચ સિવાય સારુ પ્રદર્શન કરી શક્યો નથી. મેથ્યૂ શોર્ટ અને જીતેશ શર્મા શરૂઆત તો સારી કરે છે પણ તે પછી મોટો સ્કોર બનાવી શકતાં નથી.