Sports

રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સ 10 રને જીત્યું

જયપુર, તા. 19 : અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમની ધીમી વિકેટ પર રમાયેલી મેચમાં કાઇલ માયર્સની અર્ધસદીની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે 7 વિકેટે 154 રન બનાવીને મૂકેલા 155 રનના લક્ષ્યાંક સામે રાજસ્થાન રોયલ્સ 6 વિકેટે 144 રન સુધી જ પહોંચી શકતાં લખનઉ સુપર જાયન્ટ્સે 10 રને જીત મેળવી હતી.

  • કાઇલ માયર્સની અર્ધસદી અને અંતિમ ઓવરોમાં પૂરન, સ્ટોઇનીસની ફટકાબાજીથી લખનઉએ 7 વિકેટે 154 રન બનાવ્યા
  • લખનઉ સુપર જાયન્ટસના બોલરોએ ગાળિયો કસતા રાજસ્થાન રોયલ્સ 6 વિકેટે 144 રન સુધી જ પહોંચી શક્યું

લક્ષ્યાંક આંબવા ઉતરેલા રાજસ્થાન રોયલ્સની શરૂઆત પણ ધીમી રહી હતી. જોસ બટલર અને યશસ્વી જયસ્વાલ જેવા તોફાની બેટ્સમેન હોવા છતાં 11 ઓવરમાં તેઓ માંડ 87 રન સુધી પહોંચ્યા હતા. જયસ્વાલ 35 બોલમાં 44 અને બટલર 41 બોલમાં 40 રન કરીને આઉટ થયા હતા. સંજૂ સેમસન અને શિમરોન હેટમાયરની વિકેટ પણ ઝડપથી પડી હતી. અંતિમ ઓવરમાં 19 રનની જરૂર હતી પણ અવેશ ખાનની ઓવરમાં બે વિકેટ પડવાની સાથે માત્ર 8 રન આવતા લખનઉનો 10 રને વિજય થયો હતો.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી લખનઉની ટીમે શરૂઆતની 10 ઓવર સુધીમાં એકપણ વિકેટ ગુમાવી નહોતી. જો કે તેમનો સ્કોર પણ તે સમયે 80ની આસપાસ જ હતો. 11મી ઓવરમાં લોકેશ રાહુલ 32 બોલમાં 39 રન કરીને આઉટ થયો તે પછી તેમણે ઝડપથી વધુ ત્રણ વિકેટ ગુમાવતા તેમનો સ્કોર 4 વિકેટે 104 રન થયો હતો. જેમાં માયર્સની 42 બોલમાં 51 રનની ઇનિંગ સામેલ હતી. તે પછી માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરને અંતિમ ઓવરોમાં થોડી ફટકાબાજી કરીને ટીમને 150 પાર પહોંચાડી હતી. સ્ટોઇનિસ 16 બોલમાં 21 અને પૂરન 20 બોલમાં 29 રન કરીને આઉટ થયા હતા. રાજસ્થાન વતી બોલ્ટે 4 ઓવરમાં માત્ર 16 રન આપીને 1 વિકેટ જ્યારે અશ્વિને 4 ઓવરમાં માત્ર 23 રન આપીને 2 વિકેટ ખેરવી હતી.

Most Popular

To Top