Sports

કમિન્સની વિસ્ફોટક બેટીંગથી કેકેઆરે મુંબઇને હરાવ્યું

પુણે : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આજે અહીં રમાયેલી 14મી મેચમાં (Match) સૂર્યકુમાર યાદવની અર્ધસદી અને તિલક વર્મા સાથેની તેની 83 રનની (Run) ભાગીદારી તેમજ અંતિમ પાંચ બોલમાં કિરોન પોલાર્ડે કરેલા 23 રનની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે મુકેલા 162 રનના લક્ષ્યાંક સામે કોલકાતા નાઇટ રાઇડર્સે પેટ કમિન્સના 15 બોલમાં 56 રનની મદદથી 16મી ઓવરમાં જ લક્ષ્યાંક કબજે કરીને મેચ 5 વિકેટે જીતી (Win) હતી.

લક્ષ્યાંકનો સામનો કરવા ઉતરેલા કેકેઆરની શરૂઆત ખરાબ રહી હતી અને તેમણે 67 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી નીતિશ રાણા અને આન્દ્રે રસેલ પણ સસ્તામાં આઉટ થતાં તેમણે 101 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. 14મી ઓવરમાં બેટીંગમાં આવેલા પેટ કમિન્સે તે પછી વિસ્ફોટક ફટકાબાજી કરીને 15 બોલમાં 6 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 56 રન કરીને 16મી ઓવરમાં જ મેચ પતાવી દીધી હતી. તેની સાથે વેક્ટેશ અય્યર 41 બોલમાં 50 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી દાવ લેવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની શરૂઆત સારી નહોતી રહી અને કેપ્ટન રોહિત શર્મા માત્ર ત્રણ રન કરીને આઉટ થયો હતો. આઇપીએલમાં ડેબ્યુ કરનારા ડેવાલ્ડ બ્રેવિસે તે પછી 19 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 29 રનની ટૂંકી ઇનિંગ રમી હતી અને ઇશાન કિશન પણ માત્ર 14 રન કરીને આઉટ થતાં મુંબઇ ઇન્ડિયન્સે 11 ઓવરમાં 55 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી હતી. અહીંથી સૂર્યકુમાર અને તિલકે બાજી સંભાળી હતી અને બંનેએ 8.1 ઓવરમાં 83 રનની ભાગીદારી કરી હતી. અંતિમ ઓવરના પહેલા બોલે સૂર્યકુમાર 36 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 52 રન કરીને આઉટ થયો હતો. તે પછી બાકી બચેલા પાંચ બોલમાં કિરોન પોલાર્ડે 3 છગ્ગાની મદદથી કુલ 23 રન કરીને મુંબઇને 161 રનના સ્કોર પર મુક્યું હતું.

Most Popular

To Top