ન્યૂયોર્ક : સેરેના (Serena) અને વિનસ વિલિયમ્સ (Venus Williams) જ્યારે સાડા ચાર વર્ષ પછી મહિલા ડબલ્સની (Women’s Doubles) એકસાથે છેલ્લી મેચ (Match) રમવા માટે કોર્ટ પર ઉતરી ત્યારે તેમણે દરેક ક્ષણનો આનંદ માણ્યો હતો, પરંતુ વિશ્વ ટેનિસની પ્રસિદ્ધ વિલિયમ્સ બહેનોની જોડી યુએસ ઓપનમાં મહિલા ડબલ્સના પ્રથમ રાઉન્ડમાં લુસી હેરેડેકા અને લિન્ડા નોસ્કોવાની ચેક જોડી સામે 7-6, 6-4થી હારી હતી. વિનસ અને સેરેના કોર્ટમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે દર્શકોએ ઉભા થઈને તેમનું અભિવાદન કર્યું હતું.
આ બંનેની હરીફ જોડીમાંથી એક 17 વર્ષીય નોસ્કોવા પોતાનું ગ્રાન્ડ સ્લેમ ડેબ્યૂ કરી રહી છે, તેણે કહ્યું હતું કે જ્યારે મને ખબર પડી કે અમારે બંનેનો સામનો કરવો પડશે, ત્યારે હું અવાચક થઈ ગઈ હતી. મારો મતલબ એ છે કે તેઓ બંને દિગ્ગજ છે અને હું હંમેશા તેમની ખાસ કરીને સેરેનાની ફેન રહી છું. તે શરૂઆતથી જ મારી આદર્શ રહી છે. તેની સાથી હેરાડેકાએ કહ્યું, હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતી કે અમે તેમના પર જીત મેળવી છે. પ્રથમ રાઉન્ડની ડબલ્સ મેચ આર્થર એસ સ્ટેડિયમમાં મહિલા કે પુરૂષ કેટેગરીમાં પહેલા ક્યારેય રમાઈ ન હતી, પરંતુ યુએસ ઓપનના આયોજકોએ એક જ પરિવારના આ બે સભ્યો માટે તેમના નિયમોમાં ફેરફાર કર્યો હતો. વિનસ અને સેરેનાએ સાથે મળીને ડબલ્સમાં 14 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. મેચ બાદ વિલિયમ્સ બહેનોએ ઈન્ટરવ્યુ આપ્યો ન હતો. આ પહેલા તેઓ છેલ્લે 2018 ફ્રેન્ચ ઓપનમાં રમી હતી. આ ચોથી વખત છે જ્યારે તે મહિલા ડબલ્સમાં કોઈ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં હારી ગઈ છે. તે અગાઉ 2013 ફ્રેન્ચ ઓપનમાં પ્રથમ રાઉન્ડમાં જ હારી ગઈ હતી.