Business

લખનઉએ ‘જાયન્ટસ’ લક્ષ્યાંક આંબી સીએસકેને હરાવ્યું

મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આજે ગુરૂવારે અહીં રમાયેલી મેચમાં (Match) ચેન્નાઇ સુપર કિંગ્સે (CSK) રોબિન ઉથપ્પાની 27 બોલમાં 50 રન, શિવમ દુબેની 20 બોલમાં 49 રન તેમજ મોઇન અલીની 22 બોલમાં 35 રનની ઇનિંગની મદદથી મુકેલા 211 રનના લક્ષ્યાંકને લખનઉ સુપર જાયન્ટસે 3 બોલ બાકી રાખીને 4 વિકેટના ભોગે કબજે કરીને 6 વિકેટે જીત મેળવી હતી.

વિશાળ લક્ષ્યાંક સામે લખનઉને કેએલ રાહુલ અને ક્વિન્ટન ડિ કોકની જોડીએ મળીને 99 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. રાહુલ 40 રન કરીને આઉટ થયો તે પછી 139 રનના સ્કોર સુધીમાં ડિકોક પણ 61 રન કરીને આઉટ થતાં લખનઉએ 3 વિકેટ ગુમાવી દીધી હતી. દીપક હુડા 8 બોલમાં 13 રન કરીને આઉટ થયો હતો. 19મી ઓવર ફેંકવા આવેલા શિવમ દુબેની એ ઓવરમાં એવીન લુઇસ અને આયૂષ બદોનીએ 25 રન લીધા હતા અને એ ઓવરમાં જ બાજી પલટાઇ ગઇ હતી. તે પછી અંતિમ ઓવરના ત્રણ બોલમાં જ બાકીના 9 રન કરીને લખનઉ મેચ જીત્યું હતું. લુઇસ 23 બોલમાં 55 અને બદોની 9 બોલમાં 19 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી સીએસકેની ટીમની શરૂઆત ફરી એકવાર સારી રહી નહોતી. જો કે તે પછી રોબિન ઉથપ્પા સાથે મોઇન અલીએ મળીને 7.3 ઓવરમાં બોર્ડ પર 84 રન મુકી દીધા હતા. ઉથપ્પા 27 બોલમાં 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 50 રન કરીને આઉટ થયો હતો. થોડી વાર પછી મોઇન અલી પણ 35 રન કરીને આઉટ થયો હતો. તે પછી અંબાતી રાયડુ અને શિવમ દુબેએ જોરદાર ફટકાબાજી કરીને 60 રનની ભાગીદારી કરી હતી. રાયડુ 20 બોલમાં 27 રન કરીને આઉટ થયો હતો. જ્યારે દુબે 30 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 49 રન કરીને આઉટ થયો હતો. જાડેજાએ 9 બોલમાં 17 રન કર્યા હતા, જ્યારે ધોની 6 બોલમાં 16 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ધોની ટી-20 ક્રિકેટમાં 7000 રન પુરા કરનારો ભારતનો છઠ્ઠો ખેલાડી બન્યો
મુંબઇ, તા. 21 : ગુરૂવારે અહીં રમાયેલી આઇપીએલની લખનઉ સુપર જાયન્ટસ સામેની મેચમાં 16 રન કરનારા ધોનીએ ટી-20 ફોર્મેટમાં 7000 રન પુરા કર્યા હતા અને તેની સાથે જ તે ઇન્ટરનેશનલ, આઇપીએલ અને ડોમેસ્ટિક ટી-20 મળીને 7000 રન પુરા કરનારો ભારતનો છઠ્ઠો બેટ્સમેન બન્યો હતો. વિકેટકીપર બેટ્સમેન તરીકે તે પહેલો ભારતીય બન્યો છે. તેના પહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, સુરેશ રૈના અને રોબિન ઉથપ્પા આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.

Most Popular

To Top