મુંબઇ : આઇપીએલની (IPL) અહીં રમાયેલી 13મી લીગ મેચમાં (Match) જોસ બટલર અને શિમરોન હેટમાયરે મળીને અંતિમ ઓવરોમાં (Over) કરેલી વિસ્ફોટક બેટીંગ અને તેમની વચ્ચે રચાયેલી 83 રનની નોટઆઉટ ભાગીદારીની મદદથી રાજસ્થાન રોયલ્સે મુકેલા 170 રનના લક્ષ્યાંક સામે આરસીબીની લથડેલી ઇનિંગ પછી દિનેશ કાર્તિક અને શાહબાઝ અહેમદે જોરદાર ફટકાબાજી કરતાં 19.1 ઓવરમાં જ ટીમ મેચ જીતી ગઇ હતી.
આરસીબીને લક્ષ્યાંક આંબવાની શરૂઆત સારી કરી હતી અને ફાફ ડુ પ્લેસિસ અને અનુજ રાવતે મળીને 55 રનની ભાગીદારી કરી હતી અને એ સ્કોર પર ડુ પ્લેસિસ 29 રન કરીને આઉટ થયો હતો અને તે પછી 1.5 ઓવરના ગાળામાં બીજી ત્રણ વિકેટ પડતાં આરસીબીનો સ્કોર 4 વિકેટે 62 રન થયો હતો અને તે પછી શેરફાને રધરફોર્ડ પણ આઉટ થતાં 87 રનમાં તેમની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ હતી. તે પછી બેટિંગમાં આવેલા દિનેશ કાર્તિકે શાહબાઝ અહેમદ સાથે મળીને 32 બોલમાં 67 રનની ભાગીદારી કરીને મેચ પલટાવી હતી, શાહબાઝ 26 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 45 રન કરીને આઉટ થયો હતો અને તે પછી કાર્તિકે હર્ષલ સાથે મળીને બાકીનું કામ પુરૂ કર્યું હતું.
આરસીબીએ ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલા રાજસ્થાન રોયલ્સના દાવની શરૂઆત સારી રહી નહોતી અને બોર્ડ પર માત્ર છ રન હતા ત્યારે યશસ્વી જયસ્વાલની વિકેટ ગુમાવી હતી. તે પછી જોસ બટલર અને દેવદત્ત પડ્ડીકલ વચ્ચે 70 રનની ભાગીદારી થઇ હતી, ત્યારે પડ્ડીકલ 37 રન કરીને આઉટ થયો હતો, કેપ્ટન સંજૂ સેમસન માત્ર 8 રન કરીને આઉટ થયો હતો. જો કે તે પછી બટલર અને શિમરોન હેટમાયરે મળીને ધીરે ધીરે ઇનિંગ બિલ્ડ કર્યા પછી અંતિમ ઓવરોમાં ફટકાવાળી કરી 83 રનની નોટઆઉટ ભાગીદારી કરીને સ્કોર 3 વિકેટે 169 રન પર પહોંચાડી દીધો હતો. બટલર 47 બોલમાં 6 છગ્ગાની મદદથી 70 જ્યારે હેટમાયર 31 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 42 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. હેટમાયર અને બટલરે અંતિમ પાંચ ઓવરમાં 13 રનથી વધુની એવરેજે રન કરીને 66 રન બનાવ્યા હતા.