Sports

બટલર પાવર અને બોલરોએ રાજસ્થાનને દિલ્હી સામે જીતાડ્યું

મુંબઇ : આઇપીએલની (IPL)આજે શુક્રવારે (Friday) અહીં રમાયેલી 34મી મેચમાં (Match) જોસ બટલરની આક્રમક સદી ઉપરાંત ઓપનર દેવદત્ત પડ્ડીકલ સાથેની તેની 155 રનની ભાગીદારી ઉપરાંત સંજૂ સેમસનની આક્રમક 46 રનની ઇનિંગને પ્રતાપે રાજસ્થાન રોયલ્સે હાલની સિઝનનો સર્વાધિક 222 રનનો સ્કોર કરીને મુકેલા 223 રનના લક્ષ્યાંક સામે દિલ્હી કેપિટલ્સ 8 વિકેટે 207 રન સુધી જ પહોંચતા રાજસ્થાન રોયલ્સે મેચ 15 રને જીતી હતી.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સને ડેવિડ વોર્નર અને પૃથ્વી શોએ સારી શરૂઆત અપાવી હતી, જો કે એક ઓવરના ગાળામાં તેમણે વોર્નર અને સરફરાઝ ખાની વિકેટ ગુમાવી હતી. વોર્નર 14 બોલમાં 28 રન કરીને આઉટ થયો હતો. પૃથ્વી અને ઋષભ પંતે મળીને 51 રનની ભાગીદારી કરી સ્કોર 99 પર પહોંચાડ્યો ત્યારે પૃથ્વી 34 રન કરીને આઉટ થયો હતો. પંત પણ 44 રન કરીને આઉટ થયો હતો. 2 ઓવરમાં 36 રનની જરૂર હતી ત્યારે પ્રસિદ્ધ કૃષ્ણએ 19મી ઓવર મેઇડન નાંખી હતી અને અંતિમ ઓવરના પહેલા ત્રણ બોલે ત્રણ છગ્ગા ફટકારીને રોવમેન પોવેલે રોમાંચ આણ્યો હતો. જો કે તે પછીનો બોલ ખાલી ગયો હતો અને અંતે રાજસ્થાન 15 રને મેચ જીત્યું હતું.

દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી દાવ લેવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સને બટલર અને પડ્ડીકલની જોડીએ આક્રમક શરૂઆત અપાવી હતી અને બંનેએ મળીને 15 ઓવરમાં જ બોર્ડ પર 155 રન મુકી દીધા હતા. આ સ્કોર પર પડ્ડીકલ 35 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 54 રન કરીને આઉટ થયો હતો. બટલરે તે પછી પણ આક્રમક બેટીંગ ચાલુ રાખી હતી અને તેણે 57 બોલમાં પોતાની સદી પુરી કરી હતી. અંતે તે 65 બોલમાં 9 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી 116 રન કરીને આઉટ થયો હતો. સેમસને પણ આક્રમક બેટીંગ કરીને 19 બોલમાં 3 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 46 રનની નોટઆઉટ ઇનિંગ રમી હતી અને 20 ઓવરમા અંતે રાજસ્થાન રોયલ્સે 2 વિકેટના ભોગે 222 રન બનાવ્યા હતા, જે હાલની સિઝનનો સર્વાધિક સ્કોર રહ્યો હતો.

અંતિમ ઓવરના ત્રીજા બોલને નો બોલ જાહેર કરવા મામલે પંત આક્રમક
ઓબેદ મેકોયની અંતિમ ઓવર દરમિયાન મેદાન પર ડ્રામા સર્જાયો હતો. રોવમેન પોવેલે ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા અને ત્રીજો બોલ વેસ્ટ હાઇથી ઉપર હોવાનો દાવો કરીને દિલ્હીના કેપ્ટન તેમજ કોચ પ્રવીણ આમરેએ તેને નો બોલ જાહેર કરવા અથવા તેમાં થર્ડ અમ્પાયરની મદદ લેવાની માગ ઉઠાવી હતી અને અમ્પાયર નીતિન મેનને એમ ન કરતાં પંતે ડગઆઉટમાંથી પોતાના ખેલાડીઓને પરત આવતા રહેવાનો ઇશારો કર્યો હતો. પોવેલ અને કુલદીપ ચાલવા પણ માંડ્યા હતા પણ પછી અમ્પાયરે તેમને સમજાવતા તેઓ પરત ફર્યા હતા. પંતે મેચ પત્યા પછી પણ કોમેન્ટેટર સાથેની વાતચીતમાં એ બોલ નો બોલ હોવાની અને થર્ડ અમ્પાયરે એ મામલે હસ્તક્ષેપ કરવાની જરૂર હોવાની વાત કરી હતી.

Most Popular

To Top