Sports

અર્શદીપ-રબાડાએ લગામ કસતાં ચેન્નાઇ હાર્યું

મુંબઇ : આઇપીએલની (IPL) 15મી સિઝનની આજે અહીં રમાયેલી 38મી લીગ મેચમાં શિખર ધવને પોતાની 200મી મેચમાં (Match) 88 રનની નોટઆઉટ ઇનિંગ રમવા ઉપરાંત ભનુકા રાજપક્ષે સાથે શતકીય ભાગીદારી કરતાં પંજાબ કિંગ્સે મૂકેલા 188 રનના લક્ષ્યાંક સામે ચેન્નાઇ સુપર કિંગ્સ 6 વિકેટે 176 રન સુધી જ પહોંચતા પંજાબ કિંગ્સનો 11 રને વિજય થયો હતો.
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સીએસકેની શરૂઆત ખરાબ રહી હતી અને 40 રનના સ્કોર સુધીમાં 3 વિકેટ ગુમાવી હતી.

ઋતુરાજ ગાયકવાડ અને અંબાતી રાયડુ વચ્ચે 49 રનની ભાગીદારી થયા પછી ગાયકવાડ 30 રન કરીને આઉટ થયો હતો. સ્કોર 153 પર પહોંચ્યો ત્યારે અંબાતી રાયડુ 39 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 78 રન કરીને આઉટ થયો હતો. અર્શદીપ અને રબાડાએ મળીને ત્રણ ઓવરમાં માત્ર 20 રન આવ્યા હતા અને અંતિમ ઓવરમાં જીત માટે 27 રનની જરૂર હતી અને રિશી ધવનની એ ઓવરમાં પહેલા બોલે ધોનીએ છગ્ગો મારતા ચાહકોને ફરી મુંબઇવાળી મેચ યાદ આવી હતી, જો કે ત્રીજા બોલે ધોની આઉટ થઇ જતાં તેમની આશાનો અંત આવ્યો હતો અંતે સીએસકે 20 ઓવરમાં છ વિકેટે 176 રન સુધી જ પહોંચતા પંજાબ કિંગ્સનો 11 રને વિજય થયો હતો.

સીએસકેએ ટોસ જીતીને ફીલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલા પંજાબ કિંગ્સની શરૂઆત ધીમી રહી હતી અને શરૂઆતની છ ઓવરમાં માત્ર 37 રન બન્યા હતા. જો કે ધવન અને રાજપક્ષે વચ્ચે થયેલી 110 રનની ભાગીદારીએ તેમને મજબૂતાઇ આપી હતી. 18મી ઓવરમાં રાજપક્ષે 32 બોલમાં 42 રન કરીને આઉટ થયો હતો. લિયામ લિવિંગસ્ટોન 7 બોલમાં 19 જ્યારે જોની બેયરસ્ટો અંતિમ બોલે 6 રન કરીને રનઆઉટ થયો હતો. ધવન 59 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 88 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

Most Popular

To Top